મહારાષ્ટ્રમાં ફેલાઈ મરાઠા અનામત આંદોલનની આગ, 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, 12 કરોડની સરકારી સંપતિને નુકસાન

મરાઠા અનામતને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તાઓ કેટલાક સ્થળોએ હિંસક બન્યા છે. મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં, તોડફોડ, આગજનીના વ્યાપક બનાવો બન્યા છે. સરકારી સંપતિને ભારે નુકસાન પહોચાડવામાં આવ્યું છે. મહારાષ્ઠ્ર રાજ્યના પોલીસ મહાનિર્દેશકે કહ્યું છે કે કાયદાની મર્યાદામાં રહીન અહિંસક આંદોલન થશે તો પોલીસ કશુ નહી કરે પરંતુ જો હિંસક બનીને તોડફોડ કે આગજની સહીતના કાયદો હાથમાં લેતા બનાવો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

મહારાષ્ટ્રમાં ફેલાઈ મરાઠા અનામત આંદોલનની આગ, 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, 12 કરોડની સરકારી સંપતિને નુકસાન
મહારાષ્ટ્રમાં હિંસક બન્યું મરાઠા અનામત આંદોલન
Image Credit source: Social Media
| Updated on: Nov 01, 2023 | 8:35 PM

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનની આગ હવે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી જવા પામી છે. અનામત આંદોલન હેઠળના કાર્યક્રમ દરમિયાન હિંસક બનાવો બન્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ધારાસભ્ય સંદિપ ક્ષીરસાગરના રહેણાંક મકાનને આગ લગાવી દેવામાં આવી છે. આંદોલનકારીઓએ પૂર્વ ધારાસભ્ય જયદત ક્ષીરસાગરની ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બગ્લામાં તોડફોડ કરીને આગ લગાડવામાં આવી છે.

બીડ જિલ્લામાં આંદોલન દરમિયાન ભડકેલી ભીડને લઈને કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં પોલીસે કરફ્યું લાદી દીધો છે. મરાઠા અનામત આંદોલનને કારણે રાજ્યમાં હિંસા ફેલાતા મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકે, આંદોલનકારીઓને હિંસક ના બનવા અને કાયદો કદાપી હાથમાં ના લેવા માટે કડક ચેતવણી આપી છે.

મહારાષ્ટ્રના સંભાજીનગર વિસ્તારમાં ગત 29 અને 31 ઓક્ટોબર દરમિયાન બનેલી ઘટનાઓના સંદર્ભમાં, પોલીસે 54 કેસ નોંધ્યા છે. તો 106 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 20 કેસ બીડ જિલ્લામાં નોંધાયા છે. જેમાંથી 7 ગુના આઈપીસીની કલમ 306 હેઠળ નોંધવામાં આવ્યા છે.

આટલા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ

“હાલમાં બીડ શહેરમાં કર્ફ્યુના આદેશો અમલમાં છે. આ સિવાય બીડ, સંભાજીનગર ગ્રામીણ અને જાલના જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. મહારાષ્ટ્રમાં 24 થી 31 ઓક્ટોબર વચ્ચે કુલ 141 કેસ નોંધાયા છે અને 168 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 146 આરોપીઓને આઈપીસીની કલમ 41 હેઠળ નોટિસ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં 12 કરોડ રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન

હિંસક બનેલા મરાઠા અનામત આંદોલનને પગલે, સમગ્ર મહારાષ્ટ્રમાં અંદાજે 12 કરોડ રૂપિયાની જાહેર સંપત્તિને નુકસાન થયું છે. જે વિસ્તારમાં વધારાના પોલીસદળની જરૂર છે, તેમને વધારાનો પોલીસ ફોર્સ મોકલવામાં આવ્યો છે. અત્યાર સુધી SRPFની 17 કંપનીઓને અલગ-અલગ જગ્યાએ તહેનાત કરાઈ છે. તો રેપિડ એક્શન ફોર્સની એક કંપનીને બીડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોકલવામાં આવી છે. સાત હજાર હોમગાર્ડને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

 

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:44 pm, Wed, 1 November 23