હવે મહારાષ્ટ્રના નાગપુરમાં બસ હવામાં ઉડવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આ સંકેત આપ્યા છે. રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પુણેના લોકોને મેટ્રો ભેટ આપી. પીએમ મોદી દ્વારા પુણે મેટ્રોનું ઉદ્ઘાટન અને 100 ઈલેક્ટ્રિક બસોની શરૂઆત કરવામાં આવ્યા બાદ હવે નાગપુરને પણ મોટી ભેટ મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં અહીં જમીન પર નહીં પરંતુ હવામાં ઉડતી બસ શરૂ થવા જઈ રહી છે. માર્ગ નિર્માણને લઈને નવા-નવા રેકોર્ડ બનાવવાના કારણે રોડકરી તરીકે જાણીતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એર ફ્લાઈંગ બસ ચલાવવાનો સંકેત આપ્યો છે.
દક્ષિણ નાગપુરના ધારાસભ્ય મોહન મતેએ નીતિન ગડકરીને સાર્વજનિક વાહનવ્યવહારની સારી વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ બાદ નાગપુરમાં પણ એર ફ્લાઈંગ બસ એટલે કે કેબલ બસ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે.
નીતિન ગડકરીએ અધિકારીઓને આ અંગે પ્લાન તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો છે. 35 થી 40 સીટર આ કેબલ બસ હાલમાં ફિલિપાઈન્સમાં ચલાવવામાં આવે છે. ફિલિપાઈન્સની ધરતી પર દોડતી બસના આધારે નાગપુરમાં પણ કેબલ બસ શરૂ કરવામાં આવશે. આ દાવો કેન્દ્રીય મંત્રી ગડકરીએ કર્યો છે. નાગપુરમાં, આ કેબલ બસો પારડીથી રિંગરોડ થઈને લંડન સ્ટ્રીટ સુધી જશે. ત્યાં હિંગણા ટી પોઈન્ટ, ડિફેન્સવાડીથી વેરાયટી ચોક સુધી જશે. આવો દાવો તેમણે કર્યો છે.
નાગપુરમાં કેબલ બસ ચલાવવાનું વચન આપતા પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશમાં પણ એર બસ ચલાવવાની જાહેરાત કરી હતી. એક પ્રચાર સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે પ્રયાગરાજમાં હવામાં ઉડતી બસો દોડશે. આ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી રહી છે. દિલ્હીથી પ્રયાગરાજ સુધી સી-પ્લેનમાં બેસીને આવવું અને ત્રિવેણીમાં આવીને ડુબકી લગાવવાની અનેક લોકોની ઈચ્છાને તેઓ પુરી કરવા જઈ રહ્યા છે. ગડકરીએ વચન આપ્યું છે કે 2024માં ઉત્તર પ્રદેશના લોકોને ઉડતી બસો જોવા મળશે.