મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના માનખુર્દ (Mankhurd ) વિસ્તારમાં ગઈકાલે (10 એપ્રિલ, રવિવાર) ટોળા દ્વારા 15-20 વાહનોની તોડફોડની ઘટના સામે આવી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ (Mumbai Police) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લઈ લેવાઈ હતી. ઘટના માનખુર્દના પૂનમ નગર મ્હાડા કોલોનીની છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. રાત્રે 10 વાગ્યાની આસપાસ કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા અને વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી. આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. સત્તાવાર રીતે, પોલીસે હજી સુધી કોઈ માહિતી આપી નથી કે એકઠા થયેલા ટોળાએ આ તોડફોડ કયા કારણોસર કરી હતી. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવવામાં સહકાર આપે.
દરમિયાન આજે (11 એપ્રિલ, સોમવાર) મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. દિલીપ વાલસે પાટીલે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જાતિ અને ધર્મના નામે રમખાણો ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અશાંતિ સર્જવાની અને તંગદિલી ફેલાવવાની આ ઘટનામાં જે દોષિતો સંડોવાયેલા જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘આપણા દેશમાં તમામ જાતિ અને ધર્મના લોકોને સાથે રહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ રાજકીય ફાયદા માટે બે સમાજના લોકો વચ્ચે ખેંચતાણ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેનાથી સમાજને નુકસાન થઈ રહ્યું છે. વિકાસ વિશે વિચારવાની જરૂર છે. લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે. પરંતુ સમાજમાં અશાંતિ ઊભી કરીને આ કામમાં અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે.
ઘટના બાદ વિવિધ સમાજના શાંતિપ્રેમી લોકોએ પોલીસનો આભાર માન્યો છે કે જે ઝડપે મુંબઈ પોલીસે રમખાણો ફાટી નીકળતા અટકાવવા પગલાં લીધાં અને પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવી. સ્વૈચ્છિક સંસ્થાઓએ પોલીસને શાંતિ જાળવવા માટે શક્ય તમામ મદદ કરવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો :નીતિ આયોગના આ સૂચકાંકમાં ગુજરાત ટોચ પર છે, જાણો શું છે દેશના બાકીના રાજ્યોનો સ્થિતિ