છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં (Corona in Maharashtra) અચાનક જ તીવ્ર ઉછાળો આવ્યો છે. મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. બુધવારે એકલા મુંબઈમાં 2,510 નવા કોરોના કેસ (Corona in Mumbai) નોંધાયા છે. મંગળવારે 1,377 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં પણ અત્યાર સુધીમાં ઓમિક્રોનના 167 કેસ નોંધાયા છે.
આ જોખમો વચ્ચે 31 ડિસેમ્બરની રાત્રે અને નવા વર્ષની ઉજવણી માટે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ શકે છે. આનાથી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને લોકોને સાદગી સાથે નવા વર્ષને આવકારવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં 25 ડિસેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ છે. આ મુજબ એક જગ્યાએ પાંચથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના કાર્યક્રમો માટે જો હોલ બુક કરવામાં આવ્યો હોય તો ક્ષમતાથી માત્ર 50 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. આ સાથે જ આયોજકો દ્વારા એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે ભીડ ન વધે, એકબીજા વચ્ચે સલામત અંતર જાળવવામાં આવે, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં બાળકો અને વૃદ્ધો માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
31 ડિસેમ્બર અને નવા વર્ષના દિવસે ખાસ કરીને મુંબઈમાં કેટલાક સ્થળોએ ભેગા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બીચ, બગીચા, રસ્તાઓ અને જાહેર સ્થળોએ ભીડ વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન લાઈન્સ, ગિરગાંવ ચોપાટી, જુહુ ચોપાટી પર પણ જવા પર પ્રતિબંધ છે. આ સ્થળોએ જઈને ભીડ ન વધારવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. નવા વર્ષ નિમિત્તે કોઈપણ પ્રકારના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ મનાઈ છે.
ફટાકડા ફોડવા અને આતશબાજી કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Corona: મુંબઈમાં પાર્ટીઓ બંધ, ઈમારતો થશે સીલ, મહારાષ્ટ્રના મંત્રીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને વ્યક્ત કરી ચિંતા