મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના (Bhagat Singh Koshyari) છત્રપતિ શિવાજી મહારાજ અને સાવિત્રીબાઈ ફુલે પરના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મહા વિકાસ અઘાડીના નેતાઓ દ્વારા તેમના પર સતત પ્રહારો થઈ રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) રવિવારે પૂણેમાં પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સામે રાજ્યપાલના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. જો કે અજિત પવારે રાજ્યપાલનું નામ લીધું ન હતું. અજિત પવાર બાદ NCP ચીફ શરદ પવારે ફરી એકવાર રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક સભામાં કહ્યું હતું કે જો રામદાસ સ્વામી સમર્થ ન હોત તો છત્રપતિ શિવાજી મહારાજને કોણ પૂછત.
શરદ પવારે શનિવારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘રાજ્યપાલના નિવેદન પર કંઈ ન બોલવું સારું રહેશે. કેન્દ્ર સરકાર કયા સ્તર સુધી નીચે આવી શકે છે, તેનું ઉદાહરણ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. રવિવારે પણ શરદ પવારે ઉસ્માનાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી પર નિશાન સાધ્યું હતું.
શરદ પવારે કહ્યું, કેટલીકવાર પદ પરના લોકો પણ નથી જાણતા કે તેમના પદની પ્રતિષ્ઠા અને સત્તા વચ્ચે કેવી રીતે સંતુલન રાખવું. તેમણે સાવિત્રીબાઈ ફુલે વિશે પણ એવા નિવેદનો આપ્યા છે. લોકો પુુછે છે કે તેમનું શું કરવાનું છે? મેં કહ્યું છોડી દો તેમને. તેમને કંઈ કહેવાનો કોઈ ફાયદો નથી. તેમની પાસેથી કંઈક સાચું બોલવાની અપેક્ષા રાખવી નકામી છે. તેથી, તેઓએ જે કહ્યું છે તેના પર વધુ વિચારવાની જરૂર નથી.
આ પહેલા રવિવારે પુણેમાં પીએમ મોદીની હાજરીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે, હું એક વાત પીએમના ધ્યાન પર લાવવા માંગુ છું. આજકાલ મહત્વના હોદ્દા પર બેઠેલા પ્રતિષ્ઠિત લોકો બિનજરૂરી નિવેદનો કરી રહ્યા છે. આવા નિવેદનો મહારાષ્ટ્રના કોઈ પણ વ્યક્તિને શોભે તેવા નથી. મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખ્યા વિના, વિકાસના કામમાં રાજનીતિ કર્યા વિના આ વારસાને આગળ લઈ જવાનો છે.