કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને (Maharashtra) થતો અન્યાય અકબંધ છે. શોધવા છતા પણ નથી મળ્યું કે, આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં (Union Budget 2022) મહારાષ્ટ્રને શું મળ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ શબ્દોમાં બજેટ પ્રત્યે પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે વધતી મોંઘવારી ઘટાડવા અને રોજગાર વધારવા માટે કોઈ નક્કર યોજના નથી. અજિત પવારે (Ajit pawar) કહ્યું, ‘દેશને સૌથી વધુ આવક આપનાર મહારાષ્ટ્ર સાથે આ ઘોર અન્યાય છે. કેન્દ્રએ આ વર્ષે 2 લાખ 20 હજાર કરોડ સેન્ટ્રલ જીએસટી એકત્ર કર્યા છે. તેમાંથી 48 હજાર કરોડ એકલા મહારાષ્ટ્રમાંથી વસૂલ કરવામાં આવ્યા હતા. બદલામાં મહારાષ્ટ્રને શું મળ્યું, માત્ર સાડા પાંચ કરોડ?’
જણાવી દઈએ કે અજિત પવાર રાજ્યના ડેપ્યુટી સીએમ અને નાણા મંત્રી પણ છે. બજેટ અંગે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાંથી લેવાની વાત આવે ત્યારે મહારાષ્ટ્રમાંથી ઘણું બધું વસુલવામાં આવે છે અને જ્યારે આપવાની વાત આવે છે ત્યારે મહારાષ્ટ્રને શું મળે છે તે શોધવા છતા પણ દેખાતું નથી. તેમણે કહ્યું, ‘અમે એવું નથી કહી રહ્યા કે અન્ય રાજ્યોને ન આપવામાં આવે. પરંતુ અમે ચોક્કસપણે કહીએ છીએ કે જે રાજ્ય વધુ આવક આપે છે, તેમની સાથે અન્યાય ન થવો જોઈએ.’
નાણામંત્રી અજિત પવારે મહારાષ્ટ્રના તમામ પક્ષોના સાંસદોને આહ્વાન કરતા કહ્યું કે, કેન્દ્રીય બજેટમાં મહારાષ્ટ્રને થયેલા અન્યાયને દૂર કરવા માટે હવે રાજ્યના હિત માટે હવે એક થવાની જરૂર છે. સાથે મળીને, એક મત સાથે એક નોટ તૈયાર કરો અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને મળો અને તેમની સામે મહારાષ્ટ્રની જરૂરિયાતો અને ચિંતાઓ મૂકો.
અજિત પવારે વધુમાં કહ્યું કે, ‘ગત બજેટની જેમ આ બજેટ પણ ‘અર્થહીન’ છે. દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનો દાવો પોકળ સાબિત થયા બાદ હવે છ કરોડ નોકરીઓ આપવાનું નવું ગાજર બતાવવામાં આવી રહ્યું છે. એલઆઈસીનો આઈપીઓ લાવવાની જાહેરાત પણ નફો કરતી કંપનીના ખાનગીકરણ તરફનું એક પગલું છે. આ બજેટને આગામી 25 વર્ષ માટે વિકાસની બ્લુ પ્રિન્ટ ગણાવવામાં આવી રહી છે. આ કંઈ નથી પરંતુ માત્ર યુક્તિઓ છે. આ બજેટમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે. તે રાજ્યોના લોકોને ખુશ કરવાનો નિષ્ફળ પ્રયાસ દેખાઈ રહ્યો છે.
સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે કુલ ભંડોળના 68 ટકા મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી આ આઇટમમાં 60 થી 70 ટકા રકમ આયાતી હથિયારો પાછળ ખર્ચવામાં આવી છે. હવે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પણ સ્વદેશી પર ભાર આપી રહ્યું છે અને આયાતને બદલે હથિયારોની નિકાસની યોજના પર કામ કરી રહ્યું છે. આ માટે સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન માટેના બજેટમાં પણ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે અજિત પવારે કહ્યું, ‘રક્ષા ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની જાહેરાત કરનારા કેન્દ્રીય નાણામંત્રીએ છેલ્લા આઠ વર્ષનો હિસાબ આપવો જોઈએ કે આ દિશામાં કેટલું કામ થયું છે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’, આ બધા સૂત્રો છે, સૂત્રોનું શું? આવનારા સમયમાં આ પણ ઉડી જશે, પછી નવા સૂત્રો આવશે.
આ પણ વાંચો : Maharashtra on Budget: ઉદ્યોગો અને રોજગાર વધશે, મહારાષ્ટ્ર ભાજપે ગણાવ્યું રાષ્ટ્રલક્ષી બજેટ
Published On - 10:42 pm, Tue, 1 February 22