
મુંબઈ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે (25.11.23) રાજસ્થાનમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી તો બીજી તરફ ત્યાંની હવામહલ વિધાનસભા ક્ષેત્રમાં લાગેલા સીએમ શિંદેના પોસ્ટર મુદ્દે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે. શિવસેનાના (ઉદ્ધવ જૂથ) નેતા અને સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી એકનાથ શિંદેને હિંદુ હ્રદય સમ્રાટ ગણાવવા પર આપત્તિ દર્શાવી છે.
સંજય રાઉતે જણાવ્યુ કે આ ઉપાધિનો ઉપયોગ શિવસેના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરે માટે કરવામાં આવતો હતો. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે સીએમ શિંદે જ્યારે પ્રચાર માટે પહોંચ્યા તો હવામહલ વિધાનસભા સીટથી ઉમેદવાર બાલમુકુંદ આચાર્યના સમર્થકોએ એક પોસ્ટર લગાવ્યુ હતુ. જેમાં સીએમ શિંદેને ‘હિંદુ હ્રદય સમ્રાટ’ ગણાવાયા હતા.
શિવસેનાના (યુબીટી) નેતા સંજય રાઉતે સવાલ કર્યો કે શિંદેને હિંદુ હ્રદય સમ્રાટ ગણાવવા માટે તેમણે એવા તો શું મહાન કાર્યો કર્યા છે? રાઉતે કહ્યું સત્તા માટે વિચારધારા સાથે સમાધાન કરનારાને મોટા લેબલ આપવાનો એક નવો ચીલો શરૂ થયો છે. તેમણે શિંદે અને 40 ધારાસભ્યોના સમૂહ તરફ ઈશારો કરતા આ કટાક્ષ કર્યો.
શિંદે અને 40 ધારાસભ્યોએ ગત વર્ષે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. શિંદે જૂથે રાઉતની ટિપ્પણીને હતાશાનું પરિણામ ગણાવ્યુ. શિંદે જૂથના શિવસેનાના પ્રવક્તા અરૂણ સાવંતે કહ્યુ ઠાકરે સમૂહના નેતા એ સમયે કેમ મૌન હતા, જ્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારના સમયમાં બાળા સાહેબ ઠાકરેનો ઉલ્લેખ કોઈ ઉપાધિ વિના જ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: મોતનો સૌદાગર: લો બોલો આ ગજબ! જેણે દુનિયાને ખતરનાક શોધની ભેટ આપી તે સંશોધક આજીવન પસ્તાયો, વાંચો ફુલ સ્ટોરી
શિંદેને હિંદુ હ્રદય સમ્રાટ ગણાવતા થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા સુધીર મુંગટીવારે જણાવ્યુ કે એ પણ સમજવુ જોઈએ કે અન્ય કોઈએ એ બેનર લગાવ્યા હતા. શું શિંદેએ ખુદ એ બેનર લગાવ્યા હતા? કાર્યકર્તાઓ નેતાઓને લઈને ઉત્સાહિત છે. શિંદે માટે કાર્યકર્તાઓની એવી લાગણી હોવી એ સ્વાભાવિક છે. એમને એવુ લાગે છે કે તેઓ બાળા સાહેબના રસ્તે ચાલી રહ્યા છે. આ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારમાં મંત્રી રહેલા રાજેન્દ્ર ગુઢા સીએમ શિંદેની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા હતા. ત્યારે પણ સીએમ શિંદેની પ્રશંસા કરી હતી. ગુઢાને ગેહલોતે મંત્રીમંડળમાંથી કાઢી મુક્યા હતા.