
બળવાખોર ધારાસભ્યોએ ચૂંટણીનો સામનો કરવો જોઈએ તેવા શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) નિવેદનને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (CM Eknath Shinde) ખુલ્લો પડકાર ફેંક્યો છે. સીએમ એકનાથ શિંદેએ શુક્રવારે ઠાકરેનું નામ લીધા વિના કહ્યું હતું કે જો તેમને ટેકો આપનાર શિવસેનાના 40 ધારાસભ્યોમાંથી એક પણ આગામી ચૂંટણી હારી જશે તો તેઓ રાજકારણ છોડી દેશે. ઉદ્ધવે કહ્યું હતું કે જો બળવાખોરો ચૂંટણી લડશે તો તેમની હાર થશે.
શિંદેએ કહ્યું, “એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બળવાખોર ધારાસભ્ય ચૂંટણી જીતશે નહીં. પરંતુ હું કહું છું કે કોઈ ધારાસભ્ય હારશે નહીં. મેં તેની જવાબદારી લીધી છે. જો તેમાંથી કોઈ હારશે તો હું રાજકારણ છોડી દઈશ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “કોણ જીતશે અને કોણ હારશે તે નક્કી કરવા માટે તમે કોણ છો? તે બધું લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે. મતદારો નક્કી કરે છે.”
અગાઉ પણ, નવી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યા પછી, એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ ખાતરી કરશે કે તેમની સાથેના તમામ ધારાસભ્યો ચૂંટાય અને તેમની ટીમ અને ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં 200 બેઠકો મળે. જો નહીં મળે, તો હું ખેતરોમાં ચાલ્યો જઈશ.
એકનાથ શિંદે શુક્રવારે સવારે પ્રભાદેવીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટના સન્માન માટે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરે જુથ પર આકરા પ્રહારો કર્યા હતા. બાદમાં શિંદેએ બળવાખોર ધારાસભ્ય અબ્દુલ સત્તારના આ પ્રકારના સન્માન સમારોહને પણ સંબોધિત કર્યો હતો.
બળવો કરીને ભાજપના સમર્થનથી સરકાર બનાવ્યા બાદ સીએમ શિંદેએ ઘણા અગત્યા નિર્ણયો લીધા છે. પેટ્રોલ – ડીઝલ સસ્તુ કર્યું છે તો ઉદ્ધવ ઠાકરેના કેટલાક નિર્ણયો બદલ્યા છે જેમકે, અગાઉની સરકારનો શહેરોના નામ બદલવાનો નિર્ણય બદલ્યો હતો. એકનાથ શિંદેના બળવા પછી તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમની છેલ્લી કેબિનેટ બેઠકમાં ઘણા નિર્ણયો લીધા હતા. જેમાંથી ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનુ નામ ધારાશિવ રાખવાનો નિર્ણય પણ સામેલ હતો. ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદેના બળવા પછી શિવસેના બે ભાગમા વહેચાઈ ગઈ છે.