મુંબઈના થાણેમાં આવેલ મુંબ્રાની ખાનગી હોસ્પિટલમાં આગ, 4 દર્દીના મોત

|

Apr 28, 2021 | 8:07 AM

પ્રાઈમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કુલ 20 દર્દીઓમાંથી 6 દર્દીઓ આઈસીયુમાં દાખલ હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રાઈમ ક્રિટીકલ હોસ્પિટલની નજીક આવેલ બિલાલ હોસ્પિટલમાં સ્થળાતરીત કરી દેવાયા છે.

મુંબઈના થાણા નજીક આવેલ મુંબ્રાની Mumbra ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ચાર દર્દીના મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે લાગેલી આગમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી ચાર દર્દીઓએ દમ તોડ્યો છે.

થાણા નજીકના મુંબ્રાની પ્રાઈમ ક્રિટીકલ હોસ્પિટલ ( Prime Critical Hospital ) જે મુંબઈ પુણા રોડ ઉપર આવેલી છે તેમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ઈલેક્ટ્રીક મિટર બોક્સમાં લાગેલી આગ જોતજોતામાં હોસ્પિટલમાં પ્રસરી ગઈ હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં કુલ વીસ દર્દીઓ સારવાર અર્થે પ્રાઈમ ક્રિટીકલ હોસ્પિટલમાં દાખલ હતા.

પ્રાઈમ હોસ્પિટલમાં ( Prime Critical Hospital ) સારવાર અર્થે દાખલ કુલ 20 દર્દીઓમાંથી 6 દર્દીઓ આઈસીયુમાં દાખલ હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રાઈમ ક્રિટીકલ હોસ્પિટલની નજીક આવેલ બિલાલ હોસ્પિટલમાં સ્થળાતરીત કરી દેવાયા છે. બિલાલ હોસ્પિટલમાં 6 લોકોની સારવાર ચાલી રહી છે. બાકીનાને રજા આપી દેવાઈ છે. સ્થાનિકોનું કહેવુ છે કે પ્રાઈમ હોસ્પિટલમાં કોવિડ19 ડેજીગ્નેટેડ હોસ્પિટલ ના હોવા છતા કોવીડ19ના દર્દીઓને સારવાર આપતી હતી.
આગના સમાચાર જાણીને થાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના જવાનો આગને કાબુમા લેવા ભારે જહેમત આદરી હતી પાંચ જેટલા ફાયર ટેન્ડર અને વોટર ટેન્કરની મદદથી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગને કાબુમાં લઈ લીધી હતી. હોસ્પિટલમાંથી કુલ 20 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ સમાચાર સંસ્થાને જણાવ્યુ હતું.

હજુ ગત સપ્તાહે જ  મુંબઈના વિરારમાં ( VIRAR) આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં ( VIJAY VALLABH HOSPITAL ) આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગનો બનાવ સવા ત્રણ વાગ્યે બન્યો  હતો.. શોર્ટ સરકીટને કારણે આગ લાગી હોવાનું  સામે આવ્યુ હતું. હોસ્પિટલમાં કુલ 17 દર્દીઓ સારવાર માટે દાખલ હતા. જેમાંથી 5 દર્દીને અન્યત્ર સારવાર માટે મોકલાયા હતા.

23મી એપ્રિલની મોડી રાત્રે વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં આગ લાગી હતી. આઈસીયુ વોર્ડમાં હવાની અવરજવર માટેની વ્યવસ્થા ના હોવાથી આગ જોતજોતામાં સમગ્ર વોર્ડમાં ફેલાઈ ગઈ હતી અને સારવાર માટે દાખલ દર્દીઓમાંથી 13 દર્દીઓના મોત નિપજ્યા હતા. જો કે આગની ઘટનામાંથી કુલ પાંચ વ્યક્તિઓને બચાવી લેવાઈ હતી. તેઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ મુંબઈના વિરારની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ, 13 દર્દીના મોત

Published On - 7:52 am, Wed, 28 April 21

Next Video