Best Bakery Case Judgement: 1 માર્ચ, 2002ના રોજ રાત્રે 8 વાગ્યે, ગુજરાતના વડોદરા શહેરની બેસ્ટ બેકરીમાં તોફાનીઓએ પહેલા લૂંટ ચલાવી અને પછી આગ લગાવી દીધી હતી. આ આગમાં 14 લોકોના મોત થયા હતા. ત્યારે બેસ્ટ બેકરી કેસને લઈને આવતીકાલે એટલે કે બુધવારે મુંબઈ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ કેસમાં બે ભાગેલા આરોપીની વિરૂદ્ધ તાજેત્તરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં કેસ પુરો થયો છે. કોર્ટે તેની પર ચુકાદો સુરક્ષિત રાખી દીધો છે.
બેસ્ટ બેકરીમાં લાગેલી આગમાં 14 મૃતકોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. આ કેસમાં વડોદરા શહેર પોલીસે કેસની સાક્ષી અને બેકરીના માલિકની પુત્રી ઝહીરા શેખની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી હતી. બેસ્ટ બેકરી કેસમાં શરૂઆતમાં કુલ 21 આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Gujarati Video: વડોદરાના પાદરામાં CCTV નેટવર્ક ઉભું કરવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા ખળભળાટ
ગુજરાતની નીચલી અદાલતમાં પ્રત્યક્ષદર્શીઓ ઝહિરા શેખ, ઝાહિરા શેખની માતા શાહરુનિસા, નાનો ભાઈ નસીબુલ્લાહ પોલીસને આપેલા તેમના નિવેદનોથી પ્રતિકૂળ બન્યા. 27 જૂન, 2003ના રોજ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામ 21 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
ઝહિરા શેખે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી હતી કે આ કેસ ગુજરાતમાં નહીં, પરંતુ અન્ય રાજ્યમાં ચલાવવામાં આવે. તે પછી, 12 એપ્રિલ, 2004ના રોજ સુપ્રીમ કોર્ટે કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો અને કેસને નવેસરથી ચલાવવાનો આદેશ આપ્યો.
4 ઓક્ટોબર, 2004થી મુંબઈની કોર્ટમાં સુનાવણી બાદ 24 ફેબ્રુઆરી, 2006ના રોજ બેસ્ટ બેકરી કેસમાં 9 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 8ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ 9 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં વર્ષ 2013માં 4 ફરાર આરોપી ઝડપાયા હતા.
આરોપીઓએ નીચલી કોર્ટના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પછીના ઘણા વર્ષો સુધી આ કેસ મુંબઈની બોમ્બે હાઈકોર્ટમાં ચાલ્યો. 9 જુલાઈ 2012ના રોજ બોમ્બે હાઈકોર્ટે 4 દોષિતો સંજય ઠક્કર, બહાદુર સિંહ ચૌહાણ, સનાભાઈ બારિયા અને દિનેશ રાજભરની આજીવન કેદની સજા યથાવત રાખી હતી, જ્યારે અન્ય 5 આરોપીઓ રાજુ બારિયા, પંકજ ગોસાવી, જગદીશ રાજપૂત અને સુરેશ ઉર્ફે લાલુ, શૈલેષ તડવીની નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પાછળથી પકડાયેલા ચાર ફરાર આરોપીઓનો કેસ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ટ્રાયલ દરમિયાન ચારમાંથી બે આરોપીના મોત થયા હતા. આ કેસના બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલ જેલમાં છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:51 pm, Tue, 30 May 23