માયાનગરી મુંબઈને (Mumbai) સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) કુર્લા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે ઘરના કચરાના નિકાલ માટે પહેલ કરી છે. સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ભીના કચરા અને સૂકા કચરામાંથી કમ્પોસ્ટ (Compost) કરવામાં આવશે અને ઘરના જોખમી કચરાનો પણ વિસ્તારમાં નિકાલ કરવામાં આવશે. નાગરિકોને ભીના કચરા માટે લીલા ડબ્બા, સૂકા કચરા માટે વાદળી ડબ્બા અને જોખમી કચરા માટે કાળા ડબ્બા આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડેપ્યુટી કમિશનર સંગીતા હસનાલેએ જણાવ્યું હતું કે કુર્લામાં પ્રોજેક્ટની સફળતા પછી આ પ્રોજેક્ટ સમગ્ર મુંબઈમાં લાગુ કરવામાં આવશે.
બીએમસીએ 2 ઓક્ટોબર, 2017થી સોસાયટીઓ માટે કચરાનું સંચાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જેમાં 20,000 ચોરસ મીટરથી વધુની મોટી હાઉસિંગ સોસાયટીઓ અને 100 કિલોથી વધુ કચરો પેદા કરતી સોસાયટીઓ, બિલ્ડીંગો અને સંસ્થાઓ માટે ભીના કચરાનો નિકાલ ફરજિયાત કરવામાં આવ્યો છે.
આમ કરતી સોસાયટીઓને પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ આપવામાં આવી રહી છે. આના કારણે મુંબઈમાં દૈનિક કચરાનું ઉત્પાદન સાડા સાત હજાર મેટ્રિક ટનથી ઘટીને સાડા પાંચથી છ હજાર મેટ્રિક ટન થઈ ગયું છે. ભીના કચરામાંથી ખાતર બનાવવા માટે ત્રણ લેયર કમ્પોસ્ટિંગ ડબ્બા પણ આપવામાં આવશે. એક બોક્સ ભર્યા બાદ બીજા અને ત્રીજા બોક્સ ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉત્સેચકોનો ઉપયોગ કરીને ખાતર બનાવવાથી કોઈ દુર્ગંધ પણ આવશે નહીં.
કમ્પોસ્ટ તૈયાર થયા પછી બીએમસી તેને ત્રણ મહિના પછી લેશે અથવા સોસાયટીઓ તેમના પરિસરમાં છોડ-બગીચા માટે તેનો ઉપયોગ કરી શકે છે અથવા મુંબઈમાં શાકભાજી ઉગાડવા માટે ખેડૂતોને આ ખાતર વિનામૂલ્યે આપવામાં આવશે. તેનો ઉપયોગ બીએમસીના બાગ બગીચા માટે પણ થઈ શકે છે. આ પ્રોજેક્ટ માટે સ્લમ સોસાયટીઓને લગભગ 240 લિટરની ક્ષમતાના ડબ્બાઓ પણ આપવામાં આવશે. હસનાલેએ સ્પષ્ટતા કરી છે કે આ માટે પાલિકાની પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે.