
‘રાજ ઠાકરે દબંગ નથી, ઉંદર છે, તે દરમાં રહે છે. જો રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી નહીં માંગે તો હવે તેમને યુપી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડમાં કયારેય ઊતરવા દેવામાં નહી આવે’, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray MNS) વિરૂદ્ધ આજે (10 મે, મંગળવાર) ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું (Brij Bhushan Sharan Singh BJP) આ વિવાદાસ્પદ નિવેદન છે. આજે બીજેપી સાંસદે રાજ ઠાકરેની અયોધ્યા યાત્રાને રોકવા માટે અહીંના નંદિની નગરમાં સંતો-મહંતોની બેઠક બોલાવી છે. આ પહેલા બ્રિજભૂષણ શરણ સિંહે નવાબગંજથી નંદિનીનગર સુધી 5 કિમી સુધી રેલી કાઢી અને જોરશોરથી પ્રદર્શન કર્યું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
બીજેપી સાંસદે અમારી પાર્ટનર ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું, ‘આજે કોઈ શક્તિ પ્રદર્શન નથી. રાજ ઠાકરેને અયોધ્યા આવતા રોકવા માટેની તૈયારીની આ બેઠક છે. શક્તિ પ્રદર્શન 5મી જૂને જોવા મળશે. આજે માત્ર 50 હજારની ભીડ એકઠી થશે. જો રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા આવશે તો 10 લાખની ભીડ તેમને રોકવા તૈયાર હશે. રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયો પર અત્યાચાર કર્યા હતા. ગરીબ લોકોને માર મારવામાં આવ્યો હતા, તે માટે માફી માંગે. આ અમારી એકમાત્ર શરત છે. જો તે માફી માંગવાની આ તક ગુમાવશે તો તે જીવનમાં ક્યારેય યુપી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડમાં ઉતરી શકશે નહીં.
આ દરમિયાન, રાજ ઠાકરેના મુંબઈ નિવાસસ્થાન ‘શિવતીર્થ’ ખાતે MNSના ટોચના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠક રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતની રણનીતિને લઈને બોલાવવામાં આવી છે. પરંતુ રાજ ઠાકરેના મરાઠી માણસની રાજનીતિથી આગળ વધીને હિંદુ જનનાયક બનવાના સપના પર બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહે વિધ્ન ઉભુ કરી દીધુ છે.
હવે જો રાજ ઠાકરે માફી માંગે તો તેમના કટ્ટર સમર્થકોને ખરાબ લાગશે અને જો તેઓ માફી નહીં માંગે તો MNS પાર્ટીનો વ્યાપ વધશે નહીં. પાર્ટી દિવસે ને દિવસે નાની થઈ રહી છે. આ રાજ ઠાકરેના અસ્તિત્વની લડાઈ છે. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે જનનાયક શું હોય છે, તે રાજ ઠાકરેએ અહીં આવીને જોવું જોઈએ. જનનાયક બધાને સાથે લઈને ચાલે છે.