ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો, થાણે બાદ હવે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન

નવી મુંબઈમાં શિવસેનાના (Shivsena) 32 કોર્પોરેટરો એકનાથ શિંદેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. કોર્પોરેટરોએ કહ્યું, "અમે એકનાથ શિંદે સાથે રહીશું. એકનાથ શિંદેને એક નાના કાર્યકર પણ ફોન કરે છે, તો તેઓ જવાબ આપે છે, અમને તે ગમે છે."

ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો, થાણે બાદ હવે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન
File Image
| Edited By: | Updated on: Jul 08, 2022 | 11:07 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra Updates) થાણે નગરપાલિકા બાદ નવી મુંબઈમાં (Navi Mumbai) શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. નવી મુંબઈમાં 32 કોર્પોરેટરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે થાણેના 66 કોર્પોરેટર દ્વારા એકનાથ શિંદેને સમર્થન જાહેર કરવામાં આવ્યુ હતુ અને આમ શિંદે જુથ ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકાઓ આપી રહ્યું છે. છેલ્લા થોડા દીવસોમાં મહારાષ્ટ્રમાં ચાલેલા રાજકીય સંકટ બાદ શિવસેનાના (Shiv Sena) નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતાની સત્તા ગુમાવવી પડી હતી. ઉદ્ધવના સ્થાને ભાજપના સાથથી એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા છે. ઉદ્ધવ ઠાકરે ઉપર હવે તેમના પક્ષ શિવસેનાને બચાવવા માટે ઘણું દબાણ છે કારણ કે શિંદે જૂથ સતત પક્ષ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.

નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરો એકનાથ શિંદેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. કોર્પોરેટરોએ કહ્યું, “અમે એકનાથ શિંદે સાથે રહીશું. એકનાથ શિંદેને એક નાના કાર્યકર પણ ફોન કરે છે, તો તેઓ જવાબ આપે છે, અમને તે ગમે છે.”

 સાંસદોને લઈને શિવસેના સતર્ક

આ સાથે જ સાંસદોને શિંદે જૂથમાં સામેલ થવાથી રોકવા માટે શિવસેના સાવધ બની ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. શિવસેના સંસદીય દળના નેતા સંજય રાઉતે આ માહિતી આપી છે. તેમજ સંજય રાઉતે કહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ રાવ અડસુલે પણ શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. તે હવે એકનાથ શિંદે જૂથમાં જોડાઈ શકે છે.

સંજય રાઉતે કહ્યું- અડસુલ પર EDનું દબાણ

આનંદ રાવ અડસુલના પાર્ટીમાંથી રાજીનામું આપવા પર સંજય રાઉતે કહ્યું કે, મને ખબર પડી છે કે તેમની વિરુદ્ધ ED તપાસ ચાલી રહી છે. ગત વર્ષે તેમના નિવાસસ્થાને EDના દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા હતા. આ કારણે તેમના પર શિવસેનામાંથી રાજીનામું આપવાનું દબાણ થઈ શકે છે. આવું દબાણ ઘણા નેતાઓ પર છે. આનંદ રાવ અડસુલ એકનાથ શિંદે જુથમાં જોડાય તેવી શક્યતા છે.

Published On - 9:11 am, Fri, 8 July 22