Maharashtra: સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ (Anna Hazare) બુધવારે જણાવ્યું હતું કે, સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપવાની મહારાષ્ટ્ર સરકારની નીતિના વિરોધમાં તેઓ 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરશે. હજારેએ આ મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) પત્ર લખ્યો છે. ઠાકરેને લખેલા તેમના પત્રમાં હજારેએ કહ્યું કે, રાજ્યના લોકોએ માંગ કરી છે કે સુપરમાર્કેટ અને આસપાસની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપતી નીતિને તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે.
84 વર્ષીય હજારેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ 14 ફેબ્રુઆરીએ અહમદનગર જિલ્લાના રાલેગાંવ સિદ્ધિથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરશે. હજારેએ કહ્યું કે, તેમણે મુખ્ય પ્રધાનને સંબોધીને બે પત્રો લખ્યા હતા, તેમને નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. તેમના અગાઉના પત્રોમાં, હજારેએ કહ્યું હતું કે, સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય માટે દુર્ભાગ્યપૂર્ણ હતો અને આવનારી પેઢીઓ માટે જોખમી સાબિત થશે.
તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે સુપરમાર્કેટ અને આસપાસની દુકાનો પર દારૂના વેચાણ માટે અલગ સ્ટોલ લગાવવા સંબંધિત આદેશ આપ્યો હતો. નવા નિયમ મુજબ, સ્થળનું ક્ષેત્રફળ 100 મીટર કે, તેથી વધુ હોવું જોઈએ. આ સાથે મહારાષ્ટ્ર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ તેનું રજીસ્ટ્રેશન જરૂરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ધાર્મિક સ્થળો અને શાળા-કોલેજોની નજીકના સુપરમાર્કેટમાં દારૂનું વેચાણ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત જે જિલ્લાઓમાં દારૂનું વેચાણ થતું નથી ત્યાં દારૂનું વેચાણ કરવામાં આવશે નહીં. દારૂના વેચાણ માટે સુપરમાર્કેટને પાંચ હજાર રૂપિયાની ફી ચૂકવવી પડશે.
મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદક કિસાન સંઘર્ષ સમિતિએ સરકાર પાસે માંગ કરી છે કે, દૂધના ભાવમાં વધારો કરવામાં આવે. રાજ્યમાં દારૂના બદલે દૂધને પ્રાથમિકતા આપવી જોઈએ તેવી માંગ તેમણે કરી છે. જો માંગ નહીં સંતોષાય તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. સમિતિના કન્વીનર અજીત નવલેએ કહ્યું કે મહાવિકાસ આઘાડી સરકારે દારૂના વેચાણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ અફસોસની વાત એ છે કે દૂધ ઉત્પાદકોને મદદ કરવા માટે કોઈ પગલાં લેવાયા નથી.
આ પણ વાંચો: GATE 2022 Answer Key: આ દિવસે આવશે GATE પરીક્ષાની આન્સર કી, જાણો કેવી રીતે થશે ચેક