
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે દિવાળી પડવાના અવસરે એક વાર્ષિક કાર્યક્રમમાં તેમના વતન બારામતીમાં શુભચિંતકો સાથે મુલાકાત કરી. પરંતુ આ દરમિયાન તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર ગેરહાજર રહ્યા. પવાર પરિવાર દર વર્ષે પુણેમાં દિવાળી મિલન સમારોહ મનાવે છે. એનસીપીની કાર્યકર્તાઓ અને નેતાઓ સહિત રાજ્યભરમાંથી હજારો લોકો શરદ પવારનું સ્વાગત કરવા બારામતી જાય છે. આ વર્ષે પણ 82 વર્ષિય શરદ પવારનું સ્વાગત કરવા તેમના આવાસ પર ભારે ભીડ જમાઈ થઈ. આ કાર્યક્રમમાં તેમની દીકરી અને એનસીપીના લોકસભા સદસ્ય સુપ્રીયા સુલે પણ હાજર રહ્યા.
સુપ્રીયા સુલેને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું અજિત પવાર આ કાર્યક્રમમાં સામેલ થશે અને કાકાને મળશે ? તેના પર સુપ્રીયા સુલેએ કહ્યુ કે અજીત દાદા ડેંગ્યુથી પીડિત છે અને છેલ્લા 21 દિવસથી ડૉક્ટરની સલાહ મુજબ આરામ કરી રહ્યા છે. તેમણે એમપણ કહ્યુ કે એનસીપીના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર તેમની યુવા સંઘર્ષ યાત્રા માટે બીડમાં હતા.
ગયા શુક્રવારે અજિત પવારે શરદ પવાર સાથે મુલાકાત કરી. જેને લઈને પણ અટકળોનું બજાર ગરમાયુ હતુ. ત્યારબાદ સુપ્રીયા સુલેએ જણાવ્યુ કે આ મુલાકાત રાજનીતિક ન હતી. તેમણે કહ્યુ અમારી રાજનીતિક વિચારધારા ભલે અલગ હોય પરંતુ અમે અમારા વ્યક્તિગત સંબંધો જાળવી રાખીએ છીએ. વ્યવસાયી અને અંગત જીવનમાં ઘણુ અંતર છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં અજિત પવારે તેમના કાકા શરદ પવાર અને એનસીપીમાંથી બગાવત કરી હતી અને એકનાથ શિંદે સરકારમાં સામેલ થઈ ગયા. તેમણે બાદમાં ડિપ્ટી સીએમ પદના શપથ લીધા હતા. અજિતની બગાવત બાદ કાકા અને ભત્રીજા વચ્ચે આ બીજી મુલાકાત હતી.
અજિત પવાર સમૂહના એનસીપી નેતા અંકુશ કાકડેએ શુક્રવારે કહ્યુ હતુ કે ડિપ્ટી સીએમ છેલ્લા થોડા દિવસોથી ડેંગ્યુથી ગ્રસ્ત છે, ડૉક્ટરે તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે અને સંક્રમણથી બચવા માટે તેમને મોટી સભાઓથી દૂર રહેવા જણાવ્યુ છે. ત્યારબાદ શુક્રવારે જ અજિત પવારે નવી દિલ્હીમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અજિત પવાર શરદ પવાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન પર પણ દાવો કર્યો છે.
Published On - 11:55 pm, Tue, 14 November 23