GANDHINAGAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાની ઇસનપુર વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની હોય, હાલ આચારસંહિતા લાગુ છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઇસનપુરમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ ચૂંટણીપાંચ સમક્ષ કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ઇસનપુર અને ચાંદખેડા વોર્ડની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.આ પેટાચૂંટણીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક ન હોવા છતાં સરકારી વાહનો તથા સરકારી કાફલા સાથે અમદાવાદના ઇસનપુર વોર્ડ નં.45ની પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મૌલિકભાઈ પટેલની જાહેરસભામાં ઉપસ્થિત રહ્યાં હોવાની ફરિયાદ રાજય ચૂંટણી પંચ સમક્ષ થઇ છે.
રાજય ચૂંટણી આયોગના સંયુક્ત કમિશ્નર એન.કે. ડામોરે આ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર )ને પત્ર લખીને આ મામલે ખુલાસો માંગ્યો છે.
રાજય ચૂંટણી આયોગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની સંતોષસિંહ રાઠોડ તથા ગુજરાત સ્ટેટ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ચંદારાણા ની ઇ-મેઇલ મારફતે બે જુદી જુદી રજૂઆતો મળેલી છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા જુદા જુદા ત્રણ આદેશો કરવામાં આવ્યા છે. જે ધ્યાને લઇને અરજદારો દ્વારા કરાયેલી રજૂઆતોના અનુસંધાને તપાસ કરવી.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી
Published On - 11:51 pm, Wed, 29 September 21