
રાત્રે કૂતરાંના રડવા પાછળ અંધશ્રદ્ધા નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. આ અંગે મોટાભાગના લોકો નથી જાણતા પણ અહીં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં રાત્રે કૂતરાના રડવા પાછળ શું કારણ છે તે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ઘણી વખત લોકો માનતા હોય છે કે કૂતરાંનું રડવું કોઈ આત્મા અથવા અદૃશ્ય શક્તિના સંકેત તરીકે હોય છે, પરંતુ નિષ્ણાતો આ માન્યતાને ખોટી ગણાવે છે.
પ્રાણી વર્તન વિશેષજ્ઞો અનુસાર કૂતરાંની સાંભળવાની ક્ષમતા ખૂબ જ તેજ હોય છે. તેઓ સામાન્ય માનવી કરતાં અનેકગણાં વધુ સૂક્ષ્મ અવાજો અને કંપનોને અનુભવી શકે છે. રાત્રિના સમયે જ્યારે આસપાસનું વાતાવરણ શાંત હોય છે, ત્યારે દૂરથી આવતા નાનાં અવાજો, જમીનમાં થતા કંપન અથવા અન્ય પ્રાણીઓની હરકત પણ તેમને સ્પષ્ટ રીતે સંભળાય છે.
આ ઉપરાંત, ચમચીડિયા સહિતના રાત્રિચર પ્રાણીઓના અવાજો પણ કૂતરાંને અસ્વસ્થ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં તેઓ ચિંતા અથવા અસ્વસ્થતા વ્યક્ત કરવા માટે બુમો પાડે છે અથવા રડે છે. આ વીડિયોમાં પણ એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને જણાવી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે કૂતરાંનું આવું વર્તન સંપૂર્ણપણે કુદરતી છે અને તેનો કોઈ આધ્યાત્મિક કે અંધશ્રદ્ધા સાથે સંબંધ નથી. લોકોમાં ફેલાયેલી માન્યતાઓથી અલગ, આ એક વૈજ્ઞાનિક રીતે સમજાવી શકાય તેવી સામાન્ય પ્રાણી પ્રતિક્રિયા છે.