
વિધાનસભા કે લોકસભાની ચૂંટણી બાદ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે આપણને સાંભળવા મળે છે કે, ઉમેદવારની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ છે. તે ઉમેદવાર પોતાની સિક્યોરિટી ડિપોઝિટ પણ બચાવી શક્યા નહીં. આ શબ્દો સાંભળ્યા બાદ તમને થશે કે, સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થવાનો અર્થ શું થાય છે, તો ચાલો જાણીએ વિગતવાર.
લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી હોય, ઉમેદવારોએ એક નિશ્ચિત રકમ ચૂંટણી પંચમાં જમા કરાવવી પડે છે. આ રકમને સિક્યોરિટી ડિપોઝિટ કહેવામાં આવે છે. દરેક ચૂંટણી માટે અલગ અલગ સિક્યોરિટી ડિપોઝિટ રકમ હોય છે. સિક્યોરિટી ડિપોઝિટની રકમ જમા કરાવવાનો હેતુ એ છે કે ચૂંટણીને લઈને જે ગંભીર હોય તે લોકો જ ચૂંટણી લડે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટેની સિક્યોરિટી ડિપોઝિટનો ઉલ્લેખ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ પીપલ્સ એક્ટ, 1951ના માં કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સિક્યોરિટી ડિપોઝિટનો ઉલ્લેખ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી એક્ટ, 1952માં કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી : જનરલ કેટેગરીના ઉમેદવારોએ 25,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ 12,500 રૂપિયા જમા કરાવવાના રહે છે.
વિધાનસભા ચૂંટણી : જનરલ કેટેગરીના ઉમેદવારોએ 10,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટની રકમ જમા કરાવવાની રહે છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 5,000 રૂપિયા જમા કરવાના રહે છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી : આ ચૂટંણીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે એક સરખી રકમ 15,000 રૂપિયા જમા કરાવવાના રહે છે.
ચૂંટણી પંચ અનુસાર ઉમેદવારે જે સીટ પર ઉમેદવારી નોંધાવી છે તેમાં થયેલા કુલ મતદાનના 1/6 એટલે કે 16.66 ટકા મત ન મળે, તો ડિપોઝીટ જપ્ત કરવામાં આવે છે. જો આપણે ઉદાહરણ જોઈએ તો એક સીટ પર 1 લાખ મત પડ્યા છે અને જો ઉમેદવારોને 16,666 કરતા ઓછા મત મળે છે તો સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.
ઉમેદવારને 1/6 થી વધારે મત મળે ત્યારે સિક્યોરિટી ડિપોઝીટ પરત આપવામાં આવે છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારને પણ તેના રૂપિયા પરત કરવામાં આવે છે, પછી ભલે તેને 1/6 કરતા ઓછા મત મળ્યા હોય. જો કોઈ ઉમેદવારનું મતદાન પહેલા મૃત્યુ થાય છે, તો તેના પરિવારને રકમ પરત કરવામાં આવે છે. ઉમેદવારની અરજી રદ કરવામાં આવે અથવા અરજી પાછી ખેંચવામાં આવે તો, સિક્યોરિટી ડિપોઝિટ પરત આપવામાં આવે છે.