
ઈતિહાસમાં 1 માર્ચને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે કારણ કે આજ દિવસે બે મહત્વપૂર્ણ દિવસો ઉજવવામાં આવે છે. 1. ઉંમર, લિંગ, વંશીયતા, ચામડીના રંગ, ઉંચાઈ અથવા વજનને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિ સાથે સન્માન સાથે વર્તે તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિશ્વમાં શૂન્ય ભેદભાવ દિવસ મનાવવામાં આવે છે અને બીજું વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ એટલે કે લોકોને નાગરિક સંરક્ષણના મહત્વ વિશે જાગૃત કરવા આ દિવસને મનાવવામાં આવે છે.
ત્યારે ચાલો જાણીએ આજના લેખમાં 1 માર્ચથી સંબંધિત ઈતિહાસ વિશે, આ દિવસ સાથે જોડાયેલી મુખ્ય ઐતિહાસિક ઘટનાઓ કઈ છે.
શૂન્ય ભેદભાવ દિવસ યુનાઈટેડ નેશન્સ એઇડ્સ પ્રોગ્રામ (યુએનએઇડ્સ) દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. પહેલી વખત આ દિવસ2014માં ઉજવવામાં આવ્યો હતો. સમાજમાં આવક, લિંગ, વય, આરોગ્યની સ્થિતિ, વ્યવસાય, અપંગતા, જાતીય સતામણી, ડ્રગનો ઉપયોગ, જાતિની ઓળખ, જાતિ, વર્ગ, જાતિ અને ધર્મનાં આધારે થતી વિવિધ અસમાનતાને સમાપ્ત કરવા તેમજ જાગૃતિ લાવવા માટે શૂન્ય ભેદભાવ દિવસ મહત્વપૂર્ણ છે.
ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ઉંમર, લિંગ, લૈંગિકતા, રાષ્ટ્રીયતા, વંશીયતા અને રંગને ધ્યાનમાં લીધા વગર, બધાના અધિકારોને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ મહિલાઓ અને યુવતીઓના શિક્ષણ, આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે તકની સમાનતા તેમજ ગૌરવ સાથે જીવન જીવવાના અધિકાર માટે અવાજ ઉઠાવવાનો છે. આજે ભારતમાં આઝાદીનાં 75 વર્ષો પછી પણ વિભિન્ન પ્રકારનાં ભેદભાવો જોવા મળે છે. ભારતમાં વિવિધ જાતિ, જ્ઞાતિ અને ધર્મનાં લોકો રહે છે. તમામને પોતાની સંસ્કૃતિ છે, પહેરવેશથી લઈને બધાનું ખાનપાન પણ જુદા જુદા પ્રકારનું હોય છે. ત્યારે આ દિવસ બધાને સમાન સમજવા માટે છે.
દર વર્ષે 1લી માર્ચે સમગ્ર વિશ્વમાં નાગરિક સંરક્ષણના મહત્વ અને તેના માટે પોતાનું જીવન બલિદાન આપનાર કર્મચારીઓના સન્માન માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય નાગરિક સુરક્ષા, નાગરિક સંરક્ષણ અને કટોકટી વ્યવસ્થાપન વિશે જનજાગૃતિને પ્રોત્સાહિત કરવાનો છે જેથી નાગરિક વસ્તીને કટોકટીની સ્થિતિમાં પોતાને બચાવવા અને આપત્તિના જોખમને ઘટાડવા માટે વધુ સારી રીતે તૈયાર કરી શકાય.
2012 માં આંતરરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંગઠન દ્વારા નાગરિક સંરક્ષણ દિવસનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન (ICDO) ની રચના અમલમાં આવી તે દિવસની વર્ષગાંઠની ઉજવણી માટે 1 માર્ચની પસંદગી કરવામાં આવી હતી.