ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પાસેથી ઈન્કમ ટેક્સ વિભાગને 300 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી છે. આ રોકડની ગણતરી હજુ ચાલુ છે. આ બેનામી સંપત્તિએ એજન્સીઓને પણ સખત મહેનત કરાવી છે. મશીનો પણ નોટો ગણીને થાકી ગયા છે. પરંતુ, આ ગણતરી સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે સરકારી એજન્સીઓ દરોડામાં નાણા જપ્ત કરે છે તે ક્યાં જાય છે?
જ્યારે સરકારી એજન્સીઓ જેવી કે ED, IT, CBI રોકડ અથવા મિલકત જપ્ત કરે છે, ત્યાર બાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યાર બાદ જપ્ત કરાયેલ રકમનો વિગતવાર રિપોર્ટ અથવા પંચનામું તૈયાર કરવામાં આવે છે અને ફાઇલ તૈયાર કરવામાં આવે છે. સરકારી એજન્સીઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને રિકવર કરેલી રકમની ગણતરી કરવા માટે બોલાવે છે. આ દરમિયાન નોટ કાઉન્ટીંગ મશીનની મદદથી નોટોની ગણતરી પૂરી થયા બાદ સરકારી એજન્સીઓના અધિકારીઓ બેંક અધિકારીઓની હાજરીમાં જપ્તી યાદી તૈયાર કરે છે.
આ પણ વાંચો તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો, જાણો શું છે નિયમ
આ પછી જપ્ત કરાયેલી રોકડ રકમ કોઈપણ સરકારી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત જો જપ્ત કરાયેલા રકમ, સામાન અથવા ઘરેણાં પર કોઈ પ્રકારનું નિશાન હોય, તો સરકારી એજન્સીઓ તેને સાચવીને રાખે છે, જેથી તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી શકાય.
જ્યાં સુધી કેસ પર કાર્યવાહી ચાલી રહી હોય અને ચુકાદો આવ્યો ના હોય ત્યાં સુધી જપ્ત કરાયેલા નાણાંનો ઉપયોગ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, બેંકો અથવા તો સરકાર કરી શકશે નહીં. કેસ પૂરો ન થાય ત્યાં સુધી પૈસા બેંકમાં જ રહે છે. ત્યારબાદ જો આરોપી દોષિત ઠરે તો રોકડ રકમ સરકારની મિલકત બની જાય છે અને જો કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે તો રોકડ રકમ આરોપીને પરત કરવામાં આવે છે.