Canada PM : કોણ છે અનિતા આનંદ ? જેઓ બની શકે છે કેનેડાના વડાપ્રધાન, ભારત સાથે છે ખાસ કનેક્શન

|

Jan 08, 2025 | 5:09 PM

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે. એવું મનાઈ રહ્યું છે કે અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે.

Canada PM : કોણ છે અનિતા આનંદ ? જેઓ બની શકે છે કેનેડાના વડાપ્રધાન, ભારત સાથે છે ખાસ કનેક્શન
Anita Anand

Follow us on

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમના અનુગામી અંગેની અટકળોએ જોર પકડ્યું છે. અહેવાલો અનુસાર, ભારતીય મૂળના નેતા અનિતા આનંદ વડાપ્રધાન પદની મુખ્ય દાવેદાર છે. જસ્ટિન ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે, જો કે જ્યાં સુધી લિબરલ પાર્ટી તેના નવા નેતાની પસંદગી ન કરે ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર રહેશે.

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે. એવું મનાઈ રહ્યું છે કે અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે. જો આમ થશે તો કેનેડામાં વડાપ્રધાન પદ સુધી પહોંચનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે.

પક્ષના નેતાઓના વધતા દબાણ પછી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરીએ પક્ષના નેતા અને વડાપ્રધાન બંને પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની સરકારનો કાર્યકાળ ઓક્ટોબર સુધીનો હતો. તેઓ નવેમ્બર 2015માં દેશના વડાપ્રધાન બન્યા હતા. અનીતા આનંદ 2019માં ઓકવિલેથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. જાહેર સેવા મંત્રી તરીકે તેમણે COVID-19 મહામારી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જો અનિતા વડાપ્રધાન બનશે તો તે આ પદ પર પહોંચનારા દેશના બીજા મહિલા હશે.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

કોણ છે અનિતા આનંદ ?

અનિતા આનંદ લિબરલ પાર્ટીના વરિષ્ઠ સભ્ય છે. તે 2019 થી કેનેડિયન સંસદના સભ્ય પણ છે. તેમણે ટ્રુડો સરકારમાં જાહેર સેવા અને પ્રાપ્તિ મંત્રાલય, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય અને ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ સહિત અનેક મુખ્ય ખાતા સંભાળ્યા છે. તેઓ હાલમાં પરિવહન અને આંતરિક વેપાર મંત્રી છે. અનીતા કેનેડાનું સંરક્ષણ મંત્રાલય સંભાળનાર બીજા મહિલા છે. અગાઉ 1990માં કિમ કેમ્પબેલે આ જવાબદારી લીધી હતી.

અનિતાના પિતા તમિલનાડુના હતા, જ્યારે તેમના માતા પંજાબના હતા. જો કે, અનિતાનો જન્મ અને ઉછેર કેનેડાના ગ્રામીણ વિસ્તાર નોવા સ્કોશિયામાં થયો હતો. તેમનો જન્મ 1967માં થયો હતો. તેમણે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી જ્યુરિસપ્રુડેન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં ગ્રેજ્યુએશન અને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાંથી કાયદામાં માસ્ટર્સ કર્યું.

અનિતા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના એસોસિયેટ ડીન પણ રહી ચૂક્યા છે. તેમણે 1995માં જોન નોલ્ટન સાથે લગ્ન કર્યા, જેઓ કેનેડિયન વકીલ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. તેમને 4 બાળકો છે.

57 વર્ષના અનિતા વ્યવસાયે વકીલ છે. તેમણે કેનેડાની ઓકવિલે બેઠક પરથી 2019માં તેમની પ્રથમ સંસદીય ચૂંટણી જીતી હતી. તે જ વર્ષે તેમને જાહેર સેવાઓ અને પ્રાપ્તિના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા.

અનિતા આનંદ લિંગ સમાનતાના સમર્થક રહ્યા છે. તે LGBTQIA+ અધિકારોનું સમર્થન કરે છે. તેમણે જાતીય ગેરવર્તણૂક સામે લડવા અને કેનેડિયન સંરક્ષણ દળોમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવવાની પહેલ પણ કરી. પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીના કિમ કેમ્પબેલ 1993માં કેનેડાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા, ત્યાર બાદ કેનેડામાં કોઈ મહિલા વડાપ્રધાન પદ સુધી પહોંચી નથી.

ટ્રુડોની પાર્ટી પાસે બહુમતી નથી

કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પાર્ટીના 153 સાંસદો છે. હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. આમાં બહુમતનો આંકડો 170 છે. ગયા વર્ષે ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ તેના 25 સાંસદોનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP એ ખાલિસ્તાન તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.

ગઠબંધન તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, 1 ઓક્ટોબરે યોજાયેલ બહુમત પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનો ટેકો મળ્યો હતો. જેના કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો.

જો કે, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે PM ટ્રુડો વિરુદ્ધ ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. જો કે કેનેડિયન સંસદ 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે, લિબરલ પાર્ટી પાસે બહુમતી મેળવવા અને નવા નેતાની પસંદગી કરવા માટે 60 દિવસથી વધુનો સમય છે.

ટ્રુડો સામે રોષ કેમ ?

સતત વધી રહેલી મોંઘવારીને કારણે ટ્રુડો સામે કેનેડિયનોમાં નારાજગી છે. આ સિવાય ટ્રુડો કેનેડામાં કટ્ટરવાદી દળોનો ઉદય, ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અને કોવિડ-19 પછી સર્જાયેલી પરિસ્થિતિને કારણે કેટલાક સમયથી રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં હાથ ધરવામાં આવેલા ઇપ્સોસ સર્વેક્ષણમાં માત્ર 28% કેનેડિયનોએ કહ્યું કે ટ્રુડોએ ફરીથી ચૂંટણી લડવી જોઈએ. એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, ટ્રુડોનું એપ્રુવલ રેટિંગ ઘટીને 30% થયું છે. બીજી તરફ, તેને નાપસંદ કરનારા લોકોની સંખ્યા 65% સુધી પહોંચી ગઈ છે. દેશમાં થયેલા અનેક સર્વે અનુસાર જો કેનેડામાં ચૂંટણી થાય તો કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી મળી શકે છે, કારણ કે વધતી મોંઘવારીથી જનતા પરેશાન છે.

અનિતા આનંદ સિવાય કોણ છે PM પદની રેસમાં ?

અનિતા આનંદ ભલે લિબરલ પાર્ટીના નેતાની રેસમાં હોય પરંતુ આ રેસમાં તેઓ એકલા નથી. કેનેડાના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ પણ આ રેસમાં છે. ટોરોન્ટોના સાંસદ ક્રિસ્ટિયા ટ્રુડોની ટીમમાં અત્યાર સુધીનો સૌથી જાણીતો ચહેરો છે. તે પાર્ટીના આંતરિક વર્તુળમાં વરિષ્ઠ નેતાઓમાં પણ સૌથી વધુ વિશ્વાસપાત્ર છે.

વડાપ્રધાન કાર્યાલય સાથે મતભેદને કારણે તેમણે ડિસેમ્બરમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ક્રિસ્ટિયાએ તેમના સાર્વજનિક રાજીનામામાં ટ્રુડોની ટીકા કરી હતી, ત્યારબાદ તેમના પર દબાણ આવ્યું હતું અને એવું માનવામાં આવતું હતું કે તેમની વિદાય નિશ્ચિત છે. ક્રિસ્ટિયા 56 વર્ષના છે અને રાજકારણમાં આવ્યા તે પહેલા તેઓ પત્રકાર હતા.

તેઓ 2013માં સંસદમાં પહોંચ્યા અને બે વર્ષ બાદ ટ્રુડોની કેબિનેટમાં સામેલ થયા. વિદેશ મંત્રી તરીકે સેવા આપતી વખતે તેમણે કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સ અને મેક્સિકો સાથે મુક્ત વેપાર કરારની વાટાઘાટો કરવામાં મદદ કરી. આ પછી તેમને નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રાલયનું પદ આપવામાં આવ્યું. તેઓ કેનેડાની પ્રથમ મહિલા હતા જેમણે આ પદ સંભાળ્યું હતું અને કોવિડ મહામારી દરમિયાન કેનેડાના નાણાકીય વ્યવસ્થાપનની દેખરેખ રાખી હતી.

માર્ક કાર્ને

લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્ને પણ પીએમ પદની રેસમાં છે. તેમણે 2021માં એક કોન્ફરન્સને સંબોધિત કરી અને સપ્ટેમ્બરમાં પાર્ટીના વિશેષ સલાહકાર તરીકે પદ સ્વીકાર્યું. તેઓ આર્થિક વિકાસ પર ટાસ્ક ફોર્સના અધ્યક્ષ બન્યા. તેમ છતાં તેમણે તેમની નેતૃત્વ મહત્વાકાંક્ષાઓ વિશેના પ્રશ્નોને અવગણ્યા.

તેમણે કહ્યું કે મને કંઈક બનવામાં નહીં પણ કંઈક કરવામાં રસ છે. ટ્રુડોના 20 ડિસેમ્બરના ફેરબદલમાં કાર્નેને કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું. તેમણે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ નેતૃત્વની ભૂમિકા અંગેના નિર્ણય પર કાળજીપૂર્વક વિચાર કરશે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મને પહેલેથી જ દેશભરના લિબરલ સાંસદો અને લોકો તરફથી જે સમર્થન મળી રહ્યું છે તેનાથી હું પ્રોત્સાહિત અને સન્માનિત છું.

મેલાની જોલી

ડિસેમ્બર 2024માં મેલાની જોલી માટે પ્રકાશિત થયેલ ન્યૂયોર્ક ટાઈમ્સની હેડલાઈન પોતે જ એક વાર્તા બની ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે મેલાની જોલી ટ્રુડોના સંભવિત અનુગામી છે. અખબારે તેમને જસ્ટિન ટ્રુડોના સ્થાને ટોચના દાવેદાર જાહેર કર્યા.

ટ્રુડો પછી 2021થી વિશ્વ મંચ પર કેનેડાનું સૌથી વધુ પ્રતિનિધિત્વ કરતો ચહેરો મેલાની જોલીનો છે. 45 વર્ષીય મેલાની જોલીએ રશિયા-યુક્રેન યુદ્ધ પછી કેનેડાનું સમર્થન દર્શાવવા માટે ઘણી વખત યુક્રેનનો પ્રવાસ કર્યો છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ બાદ પ્રદેશમાંથી કેનેડિયન નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે તેમણે જોર્ડનનો પ્રવાસ કર્યો. દેશની વિદેશ નીતિના ઘણા મોટા પડકારો દરમિયાન જોલી કેન્દ્રમાં રહ્યા છે.

આ ઉપરાંત ટ્રુડોના નજીકના અને વિશ્વાસુ સાથી ડોમિનિક લાબ્લેન્કને પણ આ રેસમાં સામેલ છે. 57 વર્ષીય ડોમિનિક ટ્રુડો સાથે ખૂબ જ ગાઢ મિત્રતા ધરાવે છે અને મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવા માટે જાણીતા છે. નાણાપ્રધાન ફ્રીલેન્ડના ચોંકાવનારા રાજીનામા બાદ જ તેમણે આ પદ સંભાળ્યું હતું. નવેમ્બરમાં માર-એ-લાગો ખાતે ટ્રુડોની ટ્રમ્પ સાથેની બેઠક ગોઠવવામાં લાબ્લેન્કે મોટી ભૂમિકા ભજવી હતી.

Next Article