કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની (Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે. 1985માં એર ઈન્ડિયા બોમ્બ ધડાકામાં તેનું નામ સામે આવ્યું હતું. જેમાં 331 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, 20 વર્ષ બાદ 2005માં તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના સિવાય આ કેસમાં અન્ય એક વ્યક્તિને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેના પરિવારજનોએ જણાવ્યું કે, ગુરુવારે સવારે ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, તેમની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, તેણે કથિત રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે શીખ સમુદાય માટે તેમની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. રિપુદમન સિંહ મલિકને જે જગ્યાએ ગોળી મારવામાં આવી હતી, જ્યાં હાજર એક સાક્ષીએ જણાવ્યું કે, તેણે ત્રણ વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો, જેમાંથી એક ગોળી શીખ નેતાને પણ વાગી. સાક્ષીએ જોયું કે, ગોળી વાગવાને કારણે રિપુદમનને ગરદનમાં ઈજા થઈ હતી.
જણાવી દઈએ કે, મલિકનો સરે વિસ્તારમાં બિઝનેસ હતો. આ બાબતને સમર્થન આપતાં સરેની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે, સવારે સાડા નવ વાગ્યે એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમનું કહેવું છે કે, આ ટાર્ગેટ કિલિંગ જેવું લાગે છે. આ ઘટના બાદ કેનેડા પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ શીખ નેતાની હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની નજીક પહોંચ્યા બાદ તેઓએ રિપુદમનને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વાહન ઘટનાસ્થળથી ઘણા બ્લોક્સને સળગાવતું જોવા મળ્યું હતું. પોલીસને આશંકા છે કે, આ વાહન હુમલાખોરોમાંથી એકનું હોઈ શકે છે. જો કે આ વાત સાચી છે કે નહી તે તો તપાસ બાદ જ ખબર પડશે.