PM મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આપ્યું આમંત્રણ, આબોહવા પરિવર્તન અને ગરીબી નાબૂદી સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

ભારતીય વડાપ્રધાન અને ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુની મુલાકાતે પાકિસ્તાનની તમામ ખોટી દલીલોને ફગાવી દીધી હતી. ફરી એકવાર દરેકને વિશ્વમાં ભારતીય વિવિધતા અને સાંસ્કૃતિક એકતાનો પરિચય થયો.

PM મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આપ્યું આમંત્રણ, આબોહવા પરિવર્તન અને ગરીબી નાબૂદી સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદી (ફોટો- પીએમઓ ઈન્ડિયા)
| Edited By: | Updated on: Oct 30, 2021 | 8:41 PM

G-20 સમિટ માટે ઈટાલીના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે સવારે પોપ ફ્રાન્સિસને મળવા વેટિકન પહોંચ્યા હતા. પીએમ મોદી અને કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ (Pope Francis) વચ્ચે આ પહેલી સામ સામેની મુલાકાત હતી. 20 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન વેટિકનમાં પોપને મળ્યા. અગાઉ વર્ષ 2000માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોપને મળ્યા હતા. પોપ ફ્રાન્સિસના અંગત પુસ્તકાલયમાં પીએમ મોદી અને તેમની વચ્ચે મુલાકાત થઈ.

 

આ બેઠક દરમિયાન કોરોના મહામારીની અસર અને તેની સામે ભારત અને વિશ્વના દેશોની લડાઈ અંગે ચર્ચા થઈ હતી. પોપે વિશ્વના વિવિધ દેશોને મદદ કરવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસે પૃથ્વીને વધુ સારી બનાવવાના ઉદ્દેશ્ય સાથે જળવાયુ પરિવર્તન સામે લડવા અને ગરીબી નાબૂદી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચેની બેઠક 20 મિનિટના નિર્ધારિત સમય કરતા વધારે એક કલાક સુધી ચાલી હતી. વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

 

પોપ-મોદીની મુલાકાતે પાકિસ્તાની પ્રોપગેંડા પર પાણી ફેરવ્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસની મુલાકાતથી પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાન દરેક વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારત અને મોદી સરકાર વિશે દુષ્પ્રચાર કરતા રહે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ભારત ‘હિન્દુ રાષ્ટ્ર’ બની રહ્યું છે તેવી કાલ્પનિક વાતો કરે છે. ભારતીય વડાપ્રધાન અને ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુની મુલાકાતે પાકિસ્તાનની તમામ ખોટી દલીલોને ફગાવી દીધી હતી. ફરી એકવાર દરેકને વિશ્વમાં ભારતીય વિવિધતા અને સાંસ્કૃતિક એકતાનો પરિચય થયો.

 

સ્થાનિક રાજકારણ પર પણ પડશે અસર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની આ મુલાકાતની અસર ભારતના ગોવાની આગામી ચૂંટણી પર પણ પડી શકે છે. આ સિવાય કેરળ અને પૂર્વોત્તર રાજ્યોના લોકોમાં પણ આ બેઠકની ખૂબ જ સકારાત્મક અસર દેખાય શકે છે. વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસને સિલ્વર કેન્ડલ સ્ટેન્ડ અને પર્યાવરણ પર પુસ્તક અર્પણ કર્યું હતું. જ્યારે પોપ ફ્રાન્સિસે કાંસાની બનેલી એક પટ્ટી પણ ભેટમાં આપી, જેના પર લખ્યું છે – “રેગીસ્તાન બનશે એક બગીચો”.

 

G20 સમિટમાં ભાગ લેશે

આ સમિટમાં કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થતંત્ર અને આરોગ્ય ક્ષેત્રને પાટા પર લાવવા, સતત વિકાસ અને જળવાયુ પરિવર્તન પર અન્ય નેતાઓની સાથે ચર્ચાની અપેક્ષા છે. એક નિવેદન અનુસાર ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર તેઓ 29થી 31 ઓક્ટોબર સુધી રોમ અને વેટિકન સિટીની મુલાકાત લેશે. આ પછી તેઓ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનના આમંત્રણ પર 1 અને 2 નવેમ્બરના રોજ બ્રિટનના ગ્લાસગોમાં રોકાણ કરશે.

 

આ પણ વાંચો :  Big News : દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓ કોરોના રિઝર્વ બેડનો ઉપયોગ કરી શકશે