PM Narendra Modi UNGA Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 76માં સત્રને સંબોધિત કર્યું, જેનું આયોજન અમેરિકાના ન્યૂયોર્કમાં કરવામાં આવી રહ્યું છે. સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ મહામારી, અફઘાનિસ્તાન, આતંકવાદ અને કોરોના વાયરસની રસી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. આ સાથે તેમણે નામ લીધા વગર પાકિસ્તાનને આતંકવાદ માટે પણ નિશાન બનાવ્યું હતું. ચાલો જાણીએ તેમના ભાષણ સાથે જોડાયેલી 10 મોટી વાતો-
1. યુનાઇટેડ નેશન્સમાં સુધારાની જરૂર : વડાપ્રધાન મોદીએ કહ્યું, જો સંયુક્ત રાષ્ટ્રને પોતાની જાતને પ્રાસંગિક રાખવી હોય તો તેની અસરકારકતામાં સુધારો કરવો પડશે, વિશ્વસનીયતામાં વધારો કરવો પડશે. યુનાઇટેડ નેશન્સ પર આજે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
2. લોકશાહી : વડાપ્રધાને કહ્યું કે લોકશાહી અમારી હજારો વર્ષોની મહાન પરંપરા છે. આ 15મી ઓગસ્ટના રોજ ભારત તેની આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ્યું છે. અમારી વિવિધતા એ અમારી મજબૂત લોકશાહીની ઓળખ છે. એવો કે દેશ જેમાં ડઝનેક ભાષાઓ, સેંકડો બોલીઓ, અલગ અલગ રહેણીકરણી, ખાણી -પીણી હોય. આ વાઇબ્રન્ટ લોકશાહીનું ઉદાહરણ છે. તે ભારતની લોકશાહીની તાકાત છે કે એક નાનું બાળક જેણે એક સમયે રેલવે સ્ટેશનના ચાના સ્ટોલ પર પોતાના પિતાની મદદ કરી હતી તે આજે ભારતના વડાપ્રધાન તરીકે ચોથી વખત UNGAને સંબોધિત કરી રહ્યો છે.
3. અફઘાનિસ્તાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલા ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ દેશ ત્યાંની નાજુક પરિસ્થિતિને પોતાના સ્વાર્થના સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન ન કરે.
4. આતંકવાદ અને પાકિસ્તાન : વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર પાકિસ્તાનને નિશાન બનાવ્યું. તેમણે કહ્યું કે, ઉલટી વિચારસરણી સાથે જે દેશો આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેઓએ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે સમાન રીતે મોટો ખતરો છે.
5. DNA વેક્સિન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું UNGA ને જાણ કરવા માંગુ છું કે ભારતે વિશ્વની પ્રથમ DNA રસી વિકસાવી છે, જે 12 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આપી શકાય છે.
6. મહાસાગરનો વારસો : વડાપ્રધાને કહ્યું આપણા દરિયાઓ પણ આપણી ધરોહર છે, તેથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે સમુદ્રી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ અને દુરુપયોગ નહીં કરીએ. આપણા સમુદ્ર પણ આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આપણે તેમને વિસ્તરણ અને નિષેધની દોડમાંથી બચાવવાના છે.
7. નેઝલ વેક્સિન : વડાપ્રધાને કહ્યું, ભારતના વૈજ્ઞાનિકો પણ નેઝલ વેક્સિનના નિર્માણમાં રોકાયેલા છે. માનવતા પ્રત્યેની પોતાની જવાબદારીને સમજીને ભારતે ફરી એક વખત વિશ્વના જરૂરિયાતમંદોને રસી આપવાનું શરૂ કર્યું છે. ભારતનું રસી વિતરણ પ્લેટફોર્મ કોવિન એક જ દિવસમાં લાખો રસી ડોઝ સંચાલિત કરવા માટે ડિજિટલ મદદ પૂરી પાડે છે.
8. વેક્સિન ઉત્પાદકોને આમંત્રણ : વડાપ્રધાન મોદીએ UNGA માં કહ્યું, “આજે હું વિશ્વભરના રસી ઉત્પાદકોને ભારતમાં આવવા અને રસી બનાવવા માટે પણ આમંત્રણ આપું છું.”
9. પ્રદૂષિત પાણી : વડાપ્રધાને કહ્યું, પ્રદૂષિત પાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અને ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશો માટે એક મોટી સમસ્યા છે. ભારતમાં આ પડકારનો સામનો કરવા માટે, અમે 170 મિલિયનથી વધુ ઘરોમાં પાઇપલાઈન દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે એક વિશાળ અભિયાન ચલાવી રહ્યા છીએ.
10. કોરોના મહામારી : વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ 100 વર્ષોમાં સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. હું એવા બધાને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે આવા ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમના પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.