પાકિસ્તાનના લોઅર કુર્રમમાં આતંકવાદીઓએ મુસાફરોથી ભરેલા વાહન પર હુમલો કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં 40 લોકો મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મહિલાઓની સહિત એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ વાન પારાચિનારથી પેશાવર જઈ રહ્યું હતું. આતંકવાદીઓએ ઉચટ વિસ્તારમાં આ હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મંડોરી હોસ્પિટલમાં 8 ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ હુમલાને લઈને પાકિસ્તાનના મંત્રી મોહસિન નકવીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આ હુમલો ખૂબ જ દુઃખદ છે. જાન-માલના નુકસાનથી અમે ખૂબ જ દુઃખી છીએ. આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. અમારું વચન છે કે સરકાર આ હુમલાને અંજામ આપનાર લોકોને બક્ષશે નહીં.
લોઅર કુર્રમ આતંકવાદી હુમલાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓ આગળ આવ્યા છે, જેમણે કાળજું કંપાવતી ઘટના વિશે જણાવ્યું છે. ઘટના નજરે જોનાર લોકોનું કહેવું છે કે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે વાહનમાં સવાર લોકોને ઉભા થવાનો મોકો પણ મળ્યો ન હતો. લોકો કંઈ સમજે તે પહેલા જ લાશનો ઢગલો થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, વાનમાં સવાર મોટાભાગના યાત્રીઓ શિયા મુસ્લિમ હતા. કુર્રમ જિલ્લામાં જ્યાં આ હુમલો થયો છે, ત્યાં તાજેતરના મહિનાઓમાં બહુમતી સુન્ની અને લઘુમતી શિયા મુસ્લિમો વચ્ચે અથડામણની ઘણી ઘટનાઓ બની છે. આમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘણા વાહનો મુસાફરોને લઈને ખૈબર પખ્તુનખ્વાની રાજધાની પેશાવર જઈ રહ્યા હતા. આ દરમિયાન જ આતંકીઓએ હુમલો કર્યો હતો.
રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કુર્રમ આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો ખૂબ જ કાયરતાપૂર્ણ અને અમાનવીય છે. નિર્દોષો પર હુમલો કરનારાઓને સજા થશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના. ઝરદારીએ ઘાયલોને સમયસર સારવાર આપવા અને હુમલાખોરો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ પેસેન્જર વાહનો પર હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કુર્રમ જિલ્લામાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવું અત્યંત કાયરતા અને ક્રૂર છે. જેમણે હુમલો કર્યો છે તેમને છોડવામાં નહીં આવે. કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવી એ સરકારની પ્રથમ જવાબદારી છે.