રશિયા (Russia ) અને યુક્રેન (Ukraine) વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઇ શકે છે. આ વચ્ચે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ હુમલો કર્યો છે, જેમાં એક યુક્રેન નાગરિકનું મોત થયું છે, જ્યારે 6 સૈનિકો ઘાયલ થયા છે. યુક્રેનની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. રશિયાના આ વલણને લઈને અમેરિકા સહિત યુરોપિયન યુનિયન (EU)ના 27 સભ્ય દેશો તેમના પર પ્રારંભિક પ્રતિબંધો લગાવવા માટે સંમત થયા છે. અમેરિકાએ પણ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે અમેરિકા હવે રશિયા સાથે કોઈ ધંધાકીય સંબંધ નહીં રાખે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાને પશ્ચિમી દેશો પાસેથી કોઈ મદદ મળશે નહીં.
યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના વડા જોસેપ બોરેલે કહ્યું કે રશિયાને હવે સહાય આપવામાં આવશે નહીં. મંગળવારે પ્રતિબંધોને મંજૂરી આપવામાં આવી હતી. તેણે કહ્યું કે તેનાથી “રશિયાને મોટું નુકસાન” થશે. તેમણે કહ્યું કે પ્રતિબંધો રશિયન સંસદના નીચલા ગૃહના સભ્યો અને પૂર્વી યુક્રેનમાં વિદ્રોહી-અધિકૃત વિસ્તારોમાં રશિયન સૈનિકોની તૈનાતીને મંજૂરી આપવામાં સામેલ અન્ય લોકોને અસર કરશે. તેમણે કહ્યું કે પ્રતિબંધો યુરોપિયન યુનિયનના નાણાકીય બજારોમાં રશિયાની પહોંચને મર્યાદિત કરશે. જેની અસર યુક્રેન સંબંધિત તેની નાણાકીય નીતિઓ પર પણ પડશે. બોરેલે યુક્રેનમાં રશિયાની કાર્યવાહી પર કહ્યું, ‘સ્ટોરી હજી પૂરી થઈ નથી’.
તે જ સમયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે રશિયા વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો યુદ્ધ લાદવામાં આવશે તો પરિણામ ખરાબ આવશે. અમે ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાના દરેક પડકારનો કડક જવાબ આપવામાં આવશે. અમે રશિયાના ખતરા સામે એકજૂટ છીએ. તેમણે કહ્યું કે રશિયા યુક્રેન પર કબજો કરવા માંગે છે. રાષ્ટ્રપતિ પુતિન સાથેની મારી મુલાકાત દરમિયાન પણ મેં યુક્રેન પર હુમલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી. અમે રશિયા સાથે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ રશિયાએ સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે અમે નાટોની સરહદના દરેક ઇંચની રક્ષા કરીશું. પશ્ચિમી દેશો પર હુમલાને સહન કરવામાં આવશે નહીં.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ લગભગ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુક્રેનથી પોતાનું દૂતાવાસ ખાલી કરી રહ્યું છે. તેમના રાજદ્વારીઓ અને તેમના પરિવારને દૂતાવાસમાંથી બહાર કાઢી રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિને રશિયન સૈનિકોને સમગ્ર ડોનબાસ પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. તે પહેલા પુતિને તેને સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન દળો યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાં ઘૂસી ગયા છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ‘કોઈ ડર, નો બોઈંગ’ની વાત કરી છે. રશિયા યુક્રેન પર સતત પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. રશિયા યુક્રેનમાં બળવાખોર પ્રદેશો પર તેની પકડ મજબૂત કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે પશ્ચિમી દેશો માટે પડકાર ઉભો થયો છે.