આજના દિવસે 19 વર્ષ પહેલા સ્પેસ જગતમાં એવી દુર્ઘટના ઘટી હતી કે જેનો અવાજ અમેરિકાથી લઈને ભારત સુધી દુનિયાભરમાં સંભળાયો હતો. એક ફેબ્રુઆરી 2003ના દિવસે અમેરિકી સ્પેસ એજન્સી NASAનું શટલ કોલંબિયા (Space shuttle Columbia)માં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ દરમિયાન વિસ્ફોટ થયો હતો. જેમાં 7 અવકાશયાત્રીના કરુણ મોત નિપજ્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં ભારતીય મૂળની કલ્પના ચાવલાનો (Kalpana Chawla) પણ સમાવેશ થાય છે, જે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા હતા. સ્પેસ શટલ પ્રોગ્રામ હેઠળ થયેલો આ બીજો સૌથી ભયંકર અકસ્માત હતો.
STS-107 મિશન 16 જાન્યુઆરી 2003ના રોજ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેણે તેની ભ્રમણકક્ષામાં 15 દિવસ, 22 કલાક, 20 મિનિટ, 32 સેકન્ડ દરમિયાન ઘણા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા. અકસ્માત પછી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે આગામી સાત મહિના સુધી ચાલી હતી. આ અકસ્માત બાદ ભારતમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. દેશનું નામ રોશન કરનારી ભારતીય દીકરીએ હવે દુનિયાને અલવિદા કહી દીધું છે. બીજી તરફ સ્પેસ શટલના કાટમાળને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કોલંબિયા સ્પેસ શટલનો કાટમાળ ટેક્સાસ, લ્યુઇસિયાના અને અરકાનસાસમાં સેંકડો માઈલ સુધી ફેલાયો હતો. આ કાટમાળ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે મોટા પાયે અભિયાન પછી સ્પેસ શટલના લગભગ 84 હજાર ટુકડાઓ મળી આવ્યા હતા. ત્યારપછી તેને કેનેડી સ્પેસ સેન્ટરની વ્હીકલ એસેમ્બલી બિલ્ડીંગમાં સંગ્રહિત કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં ટેક્સાસના સબીન કાઉન્ટીના હેમફિલમાં ‘રિમેમ્બરિંગ કોલંબિયા’ના નામથી એક મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે.
આ અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યો તેમાં કમાન્ડર રિક હસબન્ડ, પાયલટ વિલિયમ સી. મેકકુલ, પેલોડ કમાન્ડર/મિશન સ્પેશિયાલિસ્ટ માઈકલ પી. એન્ડરસન અને મિશન સ્પેશિયાલિસ્ટ ડેવિડ એમ. બ્રાઉનનો સમાવેશ થાય છે. આ સિવાય મિશન સ્પેશિયાલિસ્ટ કલ્પના ચાવલા, મિશન સ્પેશિયાલિસ્ટ લોરેલ ક્લાર્ક અને પેલોડ સ્પેશિયાલિસ્ટ ઈલાન રેમોને આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા પહેલા બનાવેલા વિડિયો રેકોર્ડિંગમાં જોવા મળ્યું હતું કે તમામ અવકાશયાત્રીઓ નિયમિત કામ કરી રહ્યા હતા અને એકબીજા સાથે મજાક કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોયા પછી ઘણા લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
તેની તપાસમાં કોલંબિયા એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બોર્ડે શોધી કાઢ્યું હતું કે વિસ્ફોટના 16 દિવસ પહેલાં, કોલંબિયા સ્પેસ શટલની એક પાંખના આગળના ભાગમાં છિદ્ર હતું. જ્યારે શટલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે આ છિદ્રને કારણે ગરમ વાતાવરણીય વાયુઓ હીટ કવચમાં પ્રવેશ્યા. જેના કારણે પાંખનો અંદરનો ભાગ નષ્ટ થઈ ગયો અને અવકાશયાન અસ્થિર બનીને નીચે પડવા લાગ્યું. તે જ સમયે, આગળ જતાં, તે ટુકડાઓમાં વિખેરાઈ ગયો. રિપોર્ટમાં નાસાના જોખમ-આકલન અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. દુર્ઘટના બાદ, તમામ સ્પેસ શટલ ફ્લાઇટ કામગીરી બે વર્ષથી વધુ સમયગાળા માટે સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Myanmar Coup One Year: મ્યાનમારમાં બળવાને એક વર્ષ પૂર્ણ, નેતા જેલમાં અને સેના સત્તા પર, જાણો કેવી છે સ્થિતિ
આ પણ વાંચો : Happy Birthday Jackie Shroff : જૈકી શ્રોફને પહેલી જ નજરમાં પસંદ કરવા લાગી હતી આયેશા, દિલચસ્પ છે બંનેની લવસ્ટોરી
Published On - 8:42 am, Tue, 1 February 22