Emma Chamberlain : અભિનેત્રી એમ્માએ મેટ ગાલા સેરેમનીમાં ભારતીય રાજાનો હાર પહેર્યો, લોકોએ કરી ખુબ જ ટ્રોલ

|

May 10, 2022 | 1:54 PM

લોકપ્રિય અમેરિકન યુટ્યુબ સ્ટાર એમ્મા ચેમ્બરલેને (Emma Chamberlain) આ વર્ષે મેટ ગાલા 2022માં ફેમસ ફેશન બ્રાન્ડ લૂઈ વિટનનો ભવ્ય પોશાક પહેરીને પદાર્પણ કર્યું હતું. પરંતુ ચેમ્બરલિનની જ્વેલરીની પસંદગીએ આ વર્ષે ઇન્ટરનેટ પર તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

Emma Chamberlain : અભિનેત્રી એમ્માએ મેટ ગાલા સેરેમનીમાં ભારતીય રાજાનો હાર પહેર્યો, લોકોએ કરી ખુબ જ ટ્રોલ
Emma Chamberlain At Met Gala 2022 Ceremony (File Photo)

Follow us on

એમ્મા ચેમ્બરલીનએ (Emma Chamberlain) આ વર્ષે વિશ્વની સૌથી લોકપ્રિય ફેશન ઇવેન્ટ ગણાતી ‘મેટ ગાલા સેરેમની’માં (Met Gala 2022) એક હીરાનો નેકપીસ (Diamond Necklace) પહેર્યો હતો. જે એક સમયે ઉત્તર ભારતના પંજાબના પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહનો હતો. એમ્માએ તેના તમામ સોશિયલ મીડિયા પેજમાં તેના હીરાના ઘરેણાં, અને કાનની બુટ્ટીઓ સાથે આ ખાસ એન્ટિક જ્વેલરીનો શ્રેય લોકપ્રિય જવેલરી બ્રાન્ડ ‘કાર્ટિયર’ને આપ્યો છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકો એમ્માને ઇન્ટરનેટ પર ખુબ જ ટ્રોલ કરી છે. 1888માં દક્ષિણ આફ્રિકામાંથી ખાણકામ કર્યા બાદ, પટિયાલાના મહારાજાએ 1889માં આ સૌથી મોટો હીરો ખરીદ્યો હતો.

જાણો શું છે આ વિવાદિત નૅકલેસનો ઇતિહાસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પટિયાલાના મહારાજા, ભૂપિન્દર સિંઘ, આ કાર્ટીયર ડીબીયર્સ હીરાના નેકપીસની માલિકી ધરાવતા હતા. તેમણે જેવેલરી ડિઝાઈનર કાર્ટીયર ડી બીયર્સને આ હીરાજડિત નેકલેસ બનાવવાનું કામ સોંપ્યું હતું. આ નેકલેસ 1928માં બનાવવામાં આવ્યો હતો, અને તે ‘પટિયાલા નેકલેસ’ તરીકે જાણીતો હતો.

તેમાં 2930 હીરા અને કેટલાક બર્મીઝ માણેકથી શણગારેલી પ્લેટિનમની 5 ચેઇન છે. આ ઉપરાંત, હળવા પીળા રંગનો ડી બીયર્સ હીરો આ નેકપીસના સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે. ઈતિહાસમાં બનેલી આ સૌથી મોંઘી જ્વેલરી હતી, અને આજે તેના મૂળ સ્વરૂપમાં તેની કિંમત લગભગ USD 30 મિલિયન ડોલર હશે, તેવું હીરા વિશેષજ્ઞો દ્વારા માનવામાં આવે છે.

1948માં, આ પ્રખ્યાત ડાયમંડ નેકપીસ પટિયાલાની શાહી તિજોરીમાંથી ગુમ થઈ ગયો હતો. 32 વર્ષ સુધી, આ અતિશય કિંમતી ડાયમંડ નેકલેસનો કોઈ પત્તો મળ્યો ન હતો. તે 1982માં સોથેબીની હરાજી દરમિયાન રહસ્યમય રીતે ફરીથી દેખાયો હતો, પરંતુ તેનો અડધો ભાગ ગુમ હતો. આખા નેકપીસની બદલે માત્ર સેન્ટરમાં મુકવામા આવેલા ડી બીયર્સ હીરાની જ હરાજી કરવામાં આવી હતી. કાર્ટિયરે હરાજીમાં આ હીરો ખરીદ્યો હતો. ત્યારબાદ લંડનની એક એન્ટિક શોપમાંથી નેકલેસનો ગુમ થયેલો અડધો ભાગ મળી આવ્યો હતો. બાદમાં કાર્ટિયરે આ હાર ખરીદ્યો હતો, અને તેને ફરીથી સાંધીને તૈયાર કર્યો હતો.

એમ્માના આ નેકલેસથી ઇન્ટરનેટ પર સર્જાયો છે ભારે વિવાદ

કેટલાક નેટીઝન્સે આ નેકપીસ અંગે ધ્યાન દોર્યું છે કે, મેટ ગાલા જેવી મોટી ઇવેન્ટ ખાતે કોઈના કિંમતી કૌટુંબિક વારસાનું પ્રદર્શન અરુચિકર છે, કારણ કે મોટાભાગના લોકો તેના મૂળ વિશે જાણતા નથી. બીજા યુઝરે લખ્યું છે કે, હેરિટેજ જ્વેલરી કમનસીબે અનેક હાથમાં બદલાઈ ગઈ છે અને કાર્ટિયર પાસે આવી ગઈ છે. ઘણા યુઝર્સને એવું પણ લાગે છે કે, તેની સાથે જોડાયેલો એક અંધકારમય ઈતિહાસ છે. ભારતે તેનો આ ખજાનો હવે ફરીથી રાખવાની જરૂર છે. તે ભારતના વસાહતી ભૂતકાળને પણ ઉજાગર કરે છે, જ્યાં અનિવાર્ય સંજોગોને કારણે વિવિધ શાહી પરિવારોના આવા અમૂલ્ય વારસાના દાગીના અંગ્રેજોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

એક યુઝરે ગુસ્સા સાથે એ પણ લખ્યું છે કે, કોહિનૂર સહિત અનેક બેશ કિંમતી હીરાઓ મૂળ માલિકને ક્યારેય પણ પરત કરવામાં આવ્યા ન હતા. કેટલાક નેટીઝન્સે આ વિવાદની વચ્ચે ભારતીય સંસ્કૃતિ અને વારસા પ્રત્યે લોકોની જાગૃતિની જરૂરિયાતની પણ માંગ કરી હતી.

Next Article