વિસ્તરણવાદી ચીનનું વધુ એક નાપાક કૃત્ય સામે આવ્યું છે. પડોશી દેશ નેપાળની સરહદે આવેલા હુમલા જિલ્લામાં ઘૂસણખોરી કરતી વખતે ચીને પ્રદેશમાં અતિક્રમણ કર્યું છે. નેપાળ સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના તપાસ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. નેપાળી મીડિયાનું કહેવું છે કે, સમિતિના તપાસ રિપોર્ટમાં થયેલા ખુલાસા પછી પણ નેપાળ સરકાર મૌન સેવી રહી છે. તે જ સમયે નેપાળી મીડિયાએ કહ્યું છે કે, સમિતિએ તેના તપાસ અહેવાલને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, પરંતુ સરકારે સમિતિના અહેવાલને સાર્વજનિક કરવા પર પણ રોક લગાવી દીધી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નેપાળના હુમલા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચીન તરફથી ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો હતો. નેપાળી મીડિયા અનુસાર, આ ઘટના બાદ સરકારે ઘૂસણખોરીની ઘટનાની તપાસ માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના કરી હતી. આ પછી સમિતિએ હુમલા અને અન્ય સરહદી જિલ્લાઓ (ખાસ કરીને લિમી વેલી)ની સ્થિતિનો અભ્યાસ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ સમિતિએ પ્રારંભિક સ્તરે સ્વીકાર્યું છે કે, ચીન અને નેપાળની સરહદ પર સ્થિતિ સારી નથી.
સાત સભ્યોની કમિટીના સભ્ય જય નારાયણ આચાર્યએ જણાવ્યું કે, અમે અમારા રિપોર્ટમાં આ પ્રદેશમાં બનેલ ભૌગોલિક, સામાજિક-સાંસ્કૃતિક અને માળખાકીય સુવિધાઓનો સમાવેશ કર્યો છે. તેમણે કહ્યું કે, રિપોર્ટ સ્થાનિક લોકો સાથેની વાતચીત પર આધારિત છે. આચાર્યએ કહ્યું કે, જ્યારે અમે વિસ્તારનું નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે સરહદમાં થાંભલાઓનું સમારકામ કરવામાં આવ્યું છે અને ત્યાં તારની વાડ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, આ થાંભલાઓ પર તારની વાડ કોણે કરી છે, તે જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે, અમે તેની તપાસ માટે સંયુક્ત તપાસ સમિતિની રચના કરવાની ભલામણ કરી છે. તે જ સમયે સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, નેપાળ સરકારે આ મામલે ચીન સાથે વાત કરી છે, પરંતુ ચીને હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.
મળતી માહિતી મુજબ, કમિટીના તપાસ રિપોર્ટ મુજબ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ હુમલા જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારીને તપાસ બાદ રિપોર્ટ આપવા કહ્યું હતું. આ અહેવાલ હમણાં જ સાર્વજનિક થયો છે, પરંતુ એક નેપાળી અખબારે મુખ્ય જિલ્લા અધિકારીને ટાંકીને કહ્યું કે, ચીન સરહદથી એક કિલોમીટર દૂર નેપાળ તરફ ઘૂસણખોરી કરતી વખતે અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ ખુલાસા બાદ નેપાળનું રાજકારણ ગરમાયું છે.