
રશિયાના સાઇબેરિયામાં આવેલી એક એન્ટિ-પ્લેગ રિસર્ચ લેબોરેટરીમાં ગંભીર દુર્ઘટનાના અહેવાલથી હડકંપ મચી ગયો છે. ઇર્કુત્સ્ક એન્ટિ-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 28 વર્ષીય સંશોધક ડારિયા શિપિલોવાનું અજાણ્યા સંક્રમણ બાદ મોત થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને 200થી વધુ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
અહેવાલો અનુસાર, લેબોરેટરીમાં સંશોધન દરમિયાન બેક્ટેરિયલ ટેસ્ટ ટ્યૂબ તૂટી જતાં સંક્રમણ ફેલાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ લેબમાં કામ કરતા કેટલાક કર્મચારીઓમાં પણ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હોવાનો દાવો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંભવિત સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
રશિયન તંત્ર દ્વારા સંશોધક ડારિયા શિપિલોવાનું મોત ગંભીર ન્યુમોનિયાના કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, તેના ન્યુમોનિયા પાછળ કયા પ્રકારનું સંક્રમણ જવાબદાર હતું તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
ખાસ વાત એ છે કે આ ઘટના પ્લેગ સંબંધિત સંશોધન કરતી લેબોરેટરીમાં બની હોવાથી ચિંતા વધી છે. જોકે, મૃતક સંશોધકને પ્લેગ થયો હતો કે અન્ય કોઈ અજાણ્યા પેથોજેનના સંપર્કમાં આવવાથી તેનું મોત થયું હતું, તે અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે જો સ્થિતિ ગંભીર નથી તો 200થી વધુ લોકોને ક્વોરન્ટીન કરવાની જરૂર કેમ પડી? શું લેબમાં ફેલાયેલું સંક્રમણ ખરેખર એટલું જોખમી છે કે તેના કારણે મોત થઈ શકે? હાલમાં સંક્રમણનું ચોક્કસ કારણ અને તેની ગંભીરતા અંગે રહસ્ય યથાવત છે. સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે લેબોરેટરીમાં ખરેખર કયા પેથોજેનનો ફેલાવો થયો હતો અને તેનાથી કેટલું જોખમ ઊભું થયું છે.
ગવર્નરે શરૂઆતમાં રોગનું નામ જાહેર કર્યું ન હતું. શેલેખોવના મેયર મેક્સિમ મોડિને પણ લોકોને સત્તાવાર માહિતી પર ભરોસો રાખવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું હજુ વહેલું ગણાશે.