
ઈજિપ્તની રાજધાની કાહિરા નજીક બુધવારે ભયાનક અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ઈંધણ ટેન્કર પલટી જતાં તેમાં ભીષણ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા આસપાસથી પસાર થતા અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માત કાહિરાને ઘેરતા મહત્વપૂર્ણ રિંગ રોડ પર ગિઝા ગવર્નોરેટના અલ-વરરાક વિસ્તારમાં થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ઈંધણ ભરેલુ ટેન્કર પલટી જતા આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ આગ નજીકમાં રહેલી કાર અને મોટરસાયકલો સુધી ફેલાઈ ગઈ હતી. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં બે ડઝનથી વધુ કાર અને મોટરસાયકલો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાસ્થળે આગના ઊંચા જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
અકસ્મતની જાણ થતાં જ અગ્નિશામક દળો અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઈજિપ્તના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે 39 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં કેટલાક મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. મૃતકોની ઓળખ સ્થાપિત કરવા માટે DNA પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઈજિપ્તમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યું છે. વધુ પડતી ઝડપ, રસ્તાઓની સ્થિતિ અને ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ખામીઓ અકસ્માતોના સંભવિત કારણોમાં સામેલ છે. કાહિરાની આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહનચાલકોની સાવચેતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Breaking News : ટ્રેડ વોરનો નવો દોર? અમેરિકાએ આપ્યો ભારત સહિત 7 દેશો પર 25% સુધીના ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ