અફઘાનિસ્તાનના (Afghanistan) પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતના (Nangarhar province) સ્પિન ઘર વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક રહીશોએ આ અંગે માહિતી આપી છે.
આ વિસ્તારના એક વ્યક્તિ અટલ શિનવારીએ જણાવ્યું કે, વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 1.30 વાગ્યે થયો હતો. આ દરમિયાન મસ્જિદની અંદર રાખવામાં આવેલ બોમ્બ અચાનક વિસ્ફોટ થયો હતો. અન્ય એક રહેવાસીએ પણ આવી જ માહિતી આપી હતી.
તે જ સમયે તાલિબાનના એક અધિકારીએ સમાચાર એજન્સી એએફપીને હુમલાની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનના અશાંત નંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા, એમ તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સ્પિન ઘર જિલ્લાની એક મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા વિસ્ફોટની પુષ્ટિ થઈ છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં અનેક હુમલા થયા છે. આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટનો હાથ છે.
આ પહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મિલિટરી હોસ્પિટલની સામે નાગરિકોને નિશાન બનાવીને મંગળવારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તાલિબાનના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું કે, કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર થયો હતો. ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ હોસ્પિટલની બહાર પણ ગોળીબાર કર્યો હતો.
ઉત્તર અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમ ઉપાસકોથી ભરેલી મસ્જિદમાં 8 ઓક્ટોબરના રોજ થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ (IS) એ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે, તેના આત્મઘાતી બોમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો.