અફઘાનિસ્તાનમાં (Afghanistan) આરોગ્ય ક્ષેત્રની સ્થિતિ કેટલી ખરાબ છે તેની માહિતી એવી છે કે, દેશમાં માત્ર પાંચ હોસ્પિટલો કોવિડ-19 ની સારવાર કરવા સક્ષમ છે. દેશની 33 હોસ્પિટલો ડોકટરો, દવાઓ અને શિયાળામાં પોતાને ગરમ રાખવા સક્ષમ ન હોવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. અફઘાનિસ્તાનમાં આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસના (Coronavirus in Afghanistan) કેસ ઝડપથી વધી રહ્યા છે. કાબુલની એકમાત્ર કોવિડ હોસ્પિટલમાં ઇંધણની અછતને કારણે, સ્ટાફ ફક્ત રાત્રે જ હોસ્પિટલને ગરમ કરી શકે છે, જ્યારે દિવસ દરમિયાન તાપમાન શૂન્યથી નીચે આવી રહ્યું છે.
દર્દીઓને ઠંડી ન લાગે તે માટે ઘણા બધા ધાબળાથી ઢાંકવામાં આવી રહ્યા છે. કાબુલ કોવિડ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર મોહમ્મદ ગુલ લિવાલે કહ્યું કે, તેમને ઓક્સિજન સપ્લાયથી લઈને દવાઓ સુધીની દરેક વસ્તુની જરૂર છે. આ હોસ્પિટલમાં 100 બેડ છે. કોરોનાના કેસોમાં વધારા સાથે, કોવિડ-19 વોર્ડ સંપૂર્ણ રીતે ભરાઈ રહ્યો છે. જાન્યુઆરી પહેલા દરરોજ એક કે, બે કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા. હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું કે, છેલ્લા બે અઠવાડિયાથી દરરોજ 10 થી 12 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી હોસ્પિટલના કર્મચારીઓને માત્ર એક મહિનાનો પગાર મળ્યો છે.
અફઘાનિસ્તાનની આરોગ્ય સંભાળ પ્રણાલી છેલ્લા બે દાયકાથી વિદેશી દાતાઓના ભંડોળ પર ચાલી રહી છે. પરંતુ ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ તે વધુ ખરાબ થઈ ગયું છે. અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે અને દેશના લગભગ $10 બિલિયનના નાણાં વિદેશમાં ફ્રિઝ થઈ ગયા છે. સાથે જ અફઘાનિસ્તાનને મળતી વિદેશી મદદ પણ બંધ કરી દેવામાં આવી છે. આરોગ્ય સંભાળ પ્રણાલીના વિનાશને કારણે માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની છે. દેશની 90% વસ્તી ગરીબી રેખા નીચે ચાલી ગઈ છે. લોકો ભાગ્યે જ ખોરાક એકત્રિત કરી શકતા હોય છે.
ડૉક્ટર મોહમ્મદ ગુલ લિવાલે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ખરાબ રીતે અસર કરી રહ્યું છે. પરંતુ તે કબૂલ કરે છે કે, આ માત્ર એક અનુમાન છે કારણ કે દેશ હજી પણ એવી કીટની રાહ જોઈ રહ્યો છે જે ખાસ કરીને ઓમિક્રોન વેરિઅન્ટનું પરીક્ષણ કરે છે. પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રીના પ્રવક્તા ડૉ. જાવિદ હાજીરે કહ્યું કે, આ કિટ ગયા મહિનાના અંત સુધીમાં મળવાની હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ હવે કહ્યું છે કે, અફઘાનિસ્તાનને ફેબ્રુઆરીના અંત સુધીમાં કિટ મળી જશે.
આ પણ વાંચો: GATE 2022 Answer Key: આ દિવસે આવશે GATE પરીક્ષાની આન્સર કી, જાણો કેવી રીતે થશે ચેક