Surat: શહેરીજનોની ફરિયાદોનો નિકાલ લાવવા માટે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર (Mayor ) હેમાલી બોઘાવાળા દ્વારા મેયર હેલ્પ ડેસ્ક (help desk ) શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ માધ્યમો થકી મળી રહેલી ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ તેમાં વધારે ફરિયાદો ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તા અને રોડ પર પડી ગયેલા ઠેર ઠેર ખાડા બાબતની છે.
મેયર દ્વારા ફરિયાદોનું રીવ્યુ કરાતા શહેરના અલગ અલગ ઝોનમાં ખાસ કરીને કતારગામ ઝોનમાં તૂટેલા રસ્તા બાબતની ફરિયાદો હજી પણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. જેથી મેયરે અધિકારીઓનો ઉધડો લીધો હતો. અને અધિકારીઓને બોલાવીને ચાર દિવસમાં તમામ ફરિયાદોનો નિકાલ લાવવા ફરી રિપોર્ટ કરવા પણ આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને શહેરના રસ્તાઓની હાલત અત્યંત બિસમાર બની ગઈ છે. શહેરના ભાગ્યે જ કોઈ માર્ગ એવા હશે જ્યાં ખાડા જોવા મળ્યા ન હોય. વરસાદ અટકી અટકીને આવતા કોર્પોરેશનને પણ રસ્તાઓના સમારકામ માટે સમય મળી નથી રહ્યો. તેમજ જે કામ થઇ રહ્યું છે તે પણ તકલાદી થયું હોવાનું સામે આવ્યું છે.
મેયરના આદેશ બાદ હવે અલગ અલગ ઝોનના અધિકારીઓએ રસ્તાના રિપેરિંગનું શિડ્યુલ બનાવીને તમામ રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરી છે. આવી જ ફરિયાદ સુરતના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારની પણ છે. ત્યાં પણ વેપારીઓએ સુરત મહાનગરપાલિકાને પત્ર લખીને રસ્તાઓનું રીપેરીંગ કામકાજ તાકીદે હાથ ધરવા અપીલ પણ કરી છે.
વેપારીઓનું કહેવું છે કે માર્કેટ એરિયામાંથી રોજના હજારો વાહનો, માલવાહક ટેમ્પાઓ પસાર થાય છે. તેવામાં સૌથી વધારે ટેક્ષ પણ સુરત કોર્પોરેશનને વેપારીઓ તરફથી આપવામાં આવે છે. તેવામાં રસ્તાઓની બિસમાર હાલતથી અહીં ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થઇ રહે છે.
ત્યારે હવે મેયર ડેસ્ક બોર્ડ પર પણ તૂટેલા રસ્તાઓની અસંખ્ય ફરિયાદોનો ઢગલો આવતા મેયર દ્વારા પણ હવે એક્શનમાં આવીને આ અંગે તાકીદે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં લગભગ 150 કરતા પણ વધુ રસ્તાઓ બિસમાર બન્યા હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકા પાસે આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે શહેરીજનોની ખાડા બાબતની ફરિયાદોનું નિરાકરણ ક્યારે આવે છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :