ભારતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક, TV9 નેટવર્ક દ્વારા શનિવારે અમદાવાદમાં ‘વોટ ગુજરાત થિંક્સ ટુડે કોન્ક્લેવ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સાથે TV9 નેટવર્કના MD અને CEO બરુણ દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમિટને સંબોધતા TV9ના MD અને CEO બરુણ દાસે ગુજરાત મોડલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતા ગુજરાતી લોકોના DNAમાં જ છે. ગુજરાત 2030 સુધીમાં ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને સાકાર કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે તેમ જણાવતાં બરુણ દાસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે TV9 નેટવર્ક ચેનલ જોનારા લાખો દર્શકો આજે ગુજરાત શું વિચારી રહ્યું છે તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હશે.
આ TV9 ની પ્રથમ WGTT સમિટ છે. એક સદી કરતા પણ વધુ સમય પહેલા ગોપાલ કૃષ્ણ ગોખલેએ કહ્યું હતું કે બંગાળ આજે જે વિચારે છે તે કાલે ભારત વિચારશે. જો કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે બતાવ્યું છે કે તમે જે વિચારો છો અને તમે જે કરો છો, તમે તે જ બનો છો.”
રાજ્યના લોકોના વખાણ કરતાં બરુણ દાસે કહ્યું હતું કે, ”ગુજરાત કેવું રાજ્ય બનવા માંગે છે તે બતાવ્યું છે. રાજ્યએ પ્રગતિશીલ અને સમૃદ્ધ બનવાનું પસંદ કર્યું છે. ગુજરાત મોડલ કંઈક એવું છે જે દર્શાવે છે કે જો કોઈ રાજ્યના લોકો મહેનતુ છે અને આગળ વધવા માગે છે, તો તેમને માત્ર એક સ્વપ્નદ્રષ્ટા નેતાની જરૂર છે જે સતત વિકાસ માટે તેમની ઊર્જા, ઉત્સાહ અને શ્રેષ્ઠતાને પ્રેરણા આપી શકે.” તેમણે વધુમાં કહ્યું, ”PM મોદી ગુજરાત મોડલના સર્જક છે. હું માનું છું કે ઉદ્યોગસાહસિકતા ગુજરાતના ડીએનએમાં છે. તે આશ્ચર્યજનક નથી કે ગુજરાત ભારતની માત્ર 5 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ છતાં તે ભારતની નિકાસમાં લગભગ 31 ટકા અને રાષ્ટ્રીય કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં 8 ટકાથી વધુ યોગદાન આપે છે.’