Valsad : તાઉ તે વાવઝોડાને કારણે કેરીના પાકને મોટાપાયે નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

|

Jun 03, 2021 | 9:19 AM

Valsad : તાઉ તે(Tauktae) વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં પણ વ્યાપક નુકસાન કર્યું છે. વાવાઝોડાને કારણે સતત ત્રણ દિવસ સુધી વરસાદી માહોલને કારણે જિલ્લાના મુખ્ય પાક એવા કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે.

Valsad : તાઉ તે(Tauktae) વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં પણ વ્યાપક નુકસાન કર્યું છે. વાવાઝોડાને કારણે સતત ત્રણ દિવસ સુધી વરસાદી માહોલને કારણે જિલ્લાના મુખ્ય પાક એવા કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે. આથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મોંઘા ભાવની કેરી પકવતા ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરેલી આ સહાય નહિવત લાગી રહી છે.આથી વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ વધુ વળતરની માંગ કરી રહ્યા છે.

રાજ્યના છેવાડે દરિયાકિનારે આવેલા વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કેરીને મોટું નુકસાન થયું છે. કેરીનો પાક તૈયાર થવાની અણી પર હતો એજ વખતે બદલાયેલા વાતાવરણ અને વાવાઝોડાને કારણે જિલ્લાની આંબાવાડીઓમાં મોટાપાયે નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં વાડીઓમાં આંબાના ઝાડ ઉખડી ગયા છે.

જોકે સૌથી વધુ નુકસાન ખેડૂતોને આંબા પર તૈયાર થઈ રહેલી કેરીના ખરી પડવાથી થયું હતું. વાવાઝોડામાં તોફાની પવનમાં કેરી ખરી પડવાના લીધે ખેડૂતોએ મોંઘા ભાવની કેરી મફતના ભાવે વેચવાનો વારો આવ્યો છે. આથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. જોકે નુકસાનની ભરપાઈ માટે સરકાર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. જેથી વલસાડ જિલ્લામાં ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા જિલ્લાના ખેતીના પાકોને નુકસાનનું સર્વે ચાલી રહ્યું છે.

સર્વેમાં જિલ્લામાં 30થી વધુ ટીમો કામે લાગી છે. અત્યાર સુધી થયેલા સર્વેમાં જિલ્લાના કુલ 10 હજાર હેક્ટર આંબાવાડીઓમાં નુકસાન થયું છે.આમ વલસાડ જિલ્લાના અત્યાર સુધી થયેલા સર્વેમાં 7000 હજારથી વધુ ખેડૂતોને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે..

નુકસાનીના વળતર પેટે સરકાર દ્વારા એક હેક્ટર દીઠ 30 હજાર રૃપિયાની સહાયની જાહેરાત કરી છે. એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 60 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકાર દ્વારા જાહેર કરેલી આ સહાય મજાક સમાન હોવાનું વલસાડ જિલ્લાના ખેડૂતો માની રહ્યા છે. કારણ કે અતિસંવેદનશીલ પાક ગણાતી કેરીની ખેતી માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવા અને ખાતર સહિતની આંબાવાડીઓમાં માવજત કરવી પડે છે.

અવારનવાર દવાના છંટકાવ અને ખાતરની જરૂર પડે છે. જેમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. આમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ 2 હેક્ટરની મર્યાદામાં માત્ર 60 હજારનું વળતર ખેડૂતોને મજાક સમાન લાગી રહ્યું છે. કારણ કે મોંઘા ભાવની કેરીની ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા કરવામાં આવનાર સહાયથી ખાતર કે દવા કે મજૂરીનો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી.આથી મોટું નુકસાન કરી ચૂકેલા ખેડૂતો સરકાર સમક્ષ સહાયની રકમમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે .

મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાં વાવાઝોડા બાદ જિલ્લાનાના દરિયા કિનારા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ઘરવખરી અને મકાનના થયેલા નુકશાનીનું યુદ્ધના ધોરણે સર્વે કરવામાં આવ્યું હતું. જિલ્લામાંએ સર્વે પૂરું કરી જિલ્લામાં 460થી વધુ લાભાર્થીઓને રૂપિયા 25 લાખથી વધુની સહાય પણ ચૂકવી દેવામાં આવી છે.

Next Video