વલસાડ જિલ્લા પોલીસ વિભાગની તપાસમાં એક સાથે 7 બોગસ તબીબો (Doctor) ઝડપાયા છે. કોરોનાકાળમાં નાગરિકોને સારા તબીબો દ્વારા સારવાર મળે તે માટે જિલ્લા પોલીસ વડાના આદેશથી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગની વિવિધ ટીમોની તપાસ દરમિયાન વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય, ભીલાડ, વાપી અને નાનાપોંઢા ખાતેથી 7 જેટલા બોગસ તબીબોને ઝડપી લેવાયા હતા.
આ તમામ તબીબો ગેરકાયદે પ્રેકટિસ કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે એકપણ તબીબ પાસે કાયદેસરની માન્યતા નથી. હાલ પોલીસે આ તમામ બોગસ તબીબોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા અમદાવાદના અમરાઇવાડીમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે લાખો રૂપિયા ખંખેરતી નકલી ડોક્ટરની ટોળકીમાં સામેલ મહિલા નર્સની પોલીસે ધરપકડ કરી હતી. નકલી ડોક્ટર અને નર્સની ત્રિપુટીની માયાજાળમાં આવેલા એક પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા હતા.
આ નકલી ડોકટરના તાર વટવાની કોવિડ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા. ઇસનપુરમાં રહેતી રિના કચ્છી, નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખ નકલી ડોકટર બનીને આ ટોળકીએ 15 દિવસ સુધી 10 હજાર લેખે રૂ. 1.50 લાખ ખંખેર્યા હતા. નકલી ડૉક્ટરોનો ભાંડો ફૂટ્યા બાદ પૂછપરછ કરતા મહિલા નર્સ રિના કચ્છી વટવામાં આવેલી સ્પર્સ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી, જ્યારે નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખ તે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા.
કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઈલાજનો અનુભવ હોવાથી આ ત્રિપુટીએ ઘરે સારવાર આપવાના નામે છેતરપીંડી કરવાનું શરૂ કર્યું હતું. મૃતકના પડોસીને પણ આ ટોળકીએ સારવાર આપી હતી. કોઈ ડોકટર ના કહેવાથી ટોળકી ત્યાં સારવાર આપી રહી હોવાનું ખુલ્યું હતું.