પોલીસ સ્ટેશનોમાં મનમાની રીતે વર્ષોથી અડીંગો જમાવી માત્ર રોકડી કરતા કે પ્રજા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવતા જાડી ચામડીનો પોલીસ સ્ટાફ ધરાવતા પોલીસ સ્ટેશનોમાંથી સાગમટે બદલીઓ કરી દેવાનો સંકેત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાન્યુઆરી માસના પ્રારંભે આપ્યો હતો. સૌપ્રથમ “સ્ટાફ સાફ સફાઇ”ની શરૂઆત સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનથી થઈ હતી અને ત્યાર બાદ રાજકોટ, અમરેલી સહિતના જીલ્લાઓમાં પણ “સ્ટાફ સાફ સફાઇ” થઈ, જ્યાં સૌથી પહેલા આ “સ્ટાફ સાફ સફાઇ” થવી જોઈતી હતી એ વડોદરામાં છેક અત્યારે આ “સ્ટાફ સાફ સફાઇ” કારેલીબાગ પોલીસ મથકથી શરૂ થઈ.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને નથી ગમતી એવી બાબતો વાળા પોલીસ સ્ટેશનોની શ્રેણીમાં વડોદરાના અનેક પોલીસ સ્ટેશનો આવે છે પરંતુ વડોદરા પોલીસ કમિશ્નર શામશેરસિંઘ દ્વારા સુરત ના સલાબતપુરા પોલીસ સ્ટેશનના “સ્ટાફ સાફ સફાઇ”ના બરોબર એક માસ પછી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં “સ્ટાફ સાફ સફાઇ” કરવામાં આવી છે.
પોલીસભવન ખાતે સંધ્યાકાળે મળતી સિનિયર પોલીસ અધિકારીઓ ની “ટી મિટિંગ” બાદ શુક્રવારે સાંજે તાત્કાલિક અસરથી કારેલીબાગ પોલીસ મથકના તમામ 87 પોલીસ કર્મીઓ અને 3 PSI ની બદલીના ઓર્ડર પર સહી કરી દીધી અને સાંજે 6.26 મિનિટે તેની સત્તાવાર જાહેરાત ACP કંટ્રોલ રૂમ વિમલ ગામીત દ્વારા કરવામાં આવી. અન્ય અલગ અલગ પોલીસ મથકોમાંથી 89 પોલીસ કર્મીઓ અને 2 PSIની કારેલીબાગ પોલીસ મથકમાં નિમણુંક કરવામાં આવી.
હુસેન સુન્ની નામના માથાભારે શખ્સ દ્વારા રાણા પંચની જગ્યા પર કબજો, તેના દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ પર ગેસનો બોટલ ફેંકવો અને તે સંદર્ભમાં કારેલીબાગ પોલીસની ઢીલી કામગીરી તથા, કારેલીબાગ વિસ્તારમાં ફૂલી ફાલી રહેલી ગેરકાનૂની પ્રવૃત્તિઓ, બુટલેગરો અને ગુનેગારોનું પોલીસ મથક પર વધતું જતું વર્ચસ્વ તથા, કારેલીબાગ પોલીસ મથક ના પોલીસ કર્મચારીઓ અને ગુનેગારોની સાંઠગાંઠ અંગે શહેર ભાજપના મોભીઓ દ્વારા ગત સપ્તાહે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળ્યા બાદ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી ગંભીરતા પૂર્વક કડક પગલાં લેવા લાગણી દર્શાવી હતી, હર્ષ સંઘવીએ તત્કાલ ધોરણે વડોદરા પોલીસ કમિશ્નર શામશેરસિંઘ ને સૂચના આપી ગુપ્ત તપાસ કરવા કહ્યું હતું, પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા એડિશનલ પોલીસ કમીશ્નર ચિરાગ કોરડીયા અને ઝોન 4 DCP એલ. એ. ઝાલા સાથે મસલત બાદ કારેલીબાગના સમગ્ર પોલીસ સ્ટાફ ને વિખેરી નાંખવા આદેશ શુક્રવારે સાંજે જારી કરી દીધો.
126 પોલીસ કર્મચારીઓનું મંજુર મહેકમ ધરાવતાં કારેલીબાગ પોલીસ મથકમાંથી 87 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી જેમાં 14 ASI,3 મહિલા ASI,10 હેડ કોન્સ્ટેબલ,18 પોલીસ કોન્સ્ટેબલ,6 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 21 LRD કોન્સ્ટેબલ,15 મહિલા LRD કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે, આ તમામને અલગ અલગ પોલીસ મથકોમાં બદલી આપવામાં આવી છે. આ અગાઉ 10મી ફેબ્રુઆરી એ પોલીસ કમિશ્નર શામશેરસિંઘ દ્વારા પી આઈ વી એન માહિડાની બદલી કરી લિવ રિઝર્વમાં મૂકી દીધા હતા અને હરણી પી આઈ વી કે દેસાઈને કારેલીબાગ પી આઈનો હવાલો સોંપવામાં આવ્યો છે.
કારેલીબાગ વિસ્તારમાં દારૂ જુગારની ફૂલી ફાલી રહેલી પ્રવૃત્તિઓ, ગંભીર બનાવોની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવાને બદલે બારોબાર વહીવટ થઈ જવો, અસામાજિક તત્વો પર કોઈ અંકુશ નહીં, બેફામ બની ગયેલા પોલીસ કર્મીઓને છુટ્ટો દોર, જેવા વિવિધ આક્ષેપો ને ગુપ્ત તપાસમાં સમર્થન મળતા ગત 10 મી એ પી. આઈ. વી. એન. માહિડાને લિવ રિઝર્વમાં મૂકી દેવાયા હતા.
બુટલેગર હુસેન સુન્ની ભૂતકાળમાં ડી સ્ટાફના કોન્સટેબલ પર હુમલો કરી ચુક્યો છે, ટ્રેનના ડબ્બામાં વિડીયો બનાવી ખુલ્લેઆમ દારૂ વેચવાનું એલાન કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને છેલ્લે રાણા પંચની જગ્યા પર ગેરકાયદે કબ્જો જમાવ્યો, સટેન્ડિંગ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ કોર્પોરેશનની ટિમ સાથે અહીં પહોંચ્યા ત્યારે તેઓ પર ગેસનો બોટલ ફેંકી જીવલેણ હુમલો કર્યો છતાં કારેલીબાગ પોલીસ દ્વારા તત્કાલ કોઈ કડક કાર્યવાહીને બદલે હુસેન સુન્નીની ગુલામ હોય તેવી ઢીલી રીતે કારેલીબાગ પોલીસ વર્તી અને એટલેજ શહેર ભાજપના મોભીઓએ ગાંધીનગર પહોંચી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી.
કારેલીબાગ પોલીસ મથકમાં આમ તો લાંબા સમયથી કેટલાક માથાભારે પોલીસ કોન્સ્ટેબલો દ્વારા જૂથવાદ ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં “વહીવટ”થી લઈને ડિટેક્શન સુધીના મુદ્દાઓ પર વ્યાપક ખટરાગ થતો હતો અને આ ખટરાગ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતો હતો. કારેલીબાગ પોલીસ મથકના એકે એક કર્મચારીની ભૂમિકાની જે ગુપ્ત તપાસ થઈ તેમાં એવી ચોંકવનારી વિગત સપાટી પર આવી હતી કે પી આઈ વી એન માહિડા દ્વારા દરેક પોલીસ કર્મચારીઓને એક “ચોક્કસ ટાર્ગેટ” સાથેની “વિશેષ કામગીરી” સોંપવામાં આવતી હતી અને આજ તકનો લાભ ઉઠાવી ત્રણ કર્મચારીઓના ત્રણ જૂથ બની ગયા હતા અને એક બીજાની કામગીરીમાં વિક્ષેપ પાડી પોતે સર્વોપરી બનવાની કોશિશ કરતા હતા જેનો સીધો લાભ ગુનેગારો લઈ જતા કાયદો વ્યવસ્થા ની પરિસ્થિ ખાડે ગઈ હતી.
મકરપુરા પોલીસ સ્ટેશનમાં “વહીવટદાર” તરીકે ની ભૂમિકા ભજવનાર એક પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા કેટલાક વર્ષોથી કારેલીબાગમાં આવ્યા બાદ કારેલીબાગ પોલીસ મથકમાં જુથવાદે જન્મ લીધો, કારણ કે અગાઉ કારેલીબાગમાં એક પોલીસ પુત્ર કોન્સ્ટેબલ વહીવટદારની ભૂમિકા અદા કરી રહ્યો હતો અને મકરપુરા વાળા વહીવટદારના આવવાથી તેની “વિશેષ કામગીરી” પર ખાસ અસર પાડવા લાગી હતી તો ડી સ્ટાફમાં રહી ડીટેક્શન કામગીરી પર રાજ કરતા એક એલ આરડી કોન્સ્ટેબલ ડિટેક્શન થી લઈ તમામ પ્રકારની કામગીરીમાં સામ્રાજ્ય વ્યાપક બનાવી રહ્યો હતો. આ ત્રણેય પોલીસ કર્મચારીઓ સાથે બાકીના પોલીસ કર્મીઓ ત્રણ જૂથમાં વહેંચાઈ ગયા હતા, એકબીજાની કામગીરીમાં દખલગીરી અને કોઈ પણ ગુનાનું ડિટેક્શન અથવા સારી કામગીરીના મૂળમાં બાતમીદારથી લઈ વહીવટ સુધી એકબીજાની ધોર ખોદી ઉચ્ચ અધિકારીઓને ખોટી કાન ભંભેરણી કરવામાં આવતી હતી જેનો સીધો ફાયદો ગુનેગારો ઉઠાવી જતા હતા,શુક્રવારે જાહેર થયેલ બદલીની યાદીમાં ત્રણ પૈકી બે પોલીસ કર્મીઓના તો નામ છે પરંતુ મકરપુરાથી થોડા વર્ષો પહેલા કારેલીબાગ આવેલ પોલીસ કોમ્સ્ટેબલનું નામ નથી પરંતુ તાજેતરમાંજ જે ઝોન એલસીબી બનાવવામાં આવી તેમાં એટેચમાં તેનું નામ જરૂરથી છે જેને કારણે અનેક તર્ક વિતર્ક થવા સાથે આ કર્મચારી ક્યાં અધિકારીની સૂચનાઓનું “હરહંમેશ” “પાલન” કરે છે કે જેથી તે LCB માં સામેલ છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
વડોદરાના 6 સંવેદનશીલ પોલીસ મથકોમાં કોમી દ્રષ્ટિએ કારેલીબાગનો સૌથી સંવેદનશીલ પોલીસ મથકમાં સમાવેશ થાય છે છાશવારે અહી નાની મોટી માથાકૂટ થાય છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ વ્યાપક ફૂલી ફાલી છે, પરંતુ શહેરના અન્ય કેટલાક પોલીસ મથકોની હાલત તો કારેલીબાગ કરતા પણ અતિશય ખરાબ છે અને કેટલાક પોલીસ મથકોમાં તો વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા કર્મચારીઓ રાજકીય પીઠબળ હેઠળ પોલીસ કમિશનર કરતા પણ વધુ રોફ જમાવતા હોવાની ફરિયાદો લોકો દ્વારા જ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવેલી છે, છતાં એ પોલીસ સ્ટેશનોમાં “સ્ટાફ સાફ સફાઇ” ની તલવાર વિઝાઈ નથી પરંતુ આગામી દિવસોમાં આવા કેટલાક પોલીસ મથકો પોલીસ કમિશનર દ્વારા “સ્ટાફ સાફ સફાઇ” થાય તે સમયની માંગ છે.
19 ઓક્ટોબર 2021
5 વર્ષ કે તેથી વધુ સમયથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 127 ASI,HC,PC સહિતના પોલીસ કર્મીઓની સાગમટે બદલી.
7 ફેબ્રુઆરી 2022
શહેરના તમામ 21 પોલીસ મથકો ના ડી સ્ટાફનું વિસર્જન.
8 ફેબ્રુઆરી 2022
ડી સ્ટાફની જગ્યાએ ઝોન DCP કક્ષાએ ગુજરાતમાં સૌ પ્રથમ LCB ની રચના,અત્યાર સુધી જિલ્લાઓમાં LCB હતી, શહેરમાં ઝોન DCP ના કાર્યક્ષેત્રમાં સૌ પ્રથમ વાર LCB વડોદરામાં બની.
10 ફેબ્રુઆરી 2022
કારેલીબાગ પી. આઈ. વી. એન. માહિડા સહિત 7 પી આઈ ની બદલી, ત્રણ મહિલા પી.આઈ.ની રાવપુરા, લક્ષ્મી પુરા અને ગૌરવ પોલીસ સ્ટેશનો માં નિમણુંક, આ અગાઉ સ્ટેટ મોનીટરિંગ સેલ ની રેડ અને પ્રોહીબિશન ની ફરિયાદો ને લઈ ને પાણીગેટ પી આઈ કે પી પરમાર ને લિવ રિઝર્વ માં મુકવામાં આવ્યા.
કોઈ પણ કડક અધિકારી નવી જગ્યા પર આવે ત્યારે તે બદલીની તલવાર ઉગામતા હોય છે, વહીવટદારો અને બદનામ પોલીસ કર્મીઓ કે PSI પી. આઈ.ની બદલી થઈ જતી હોય છે, અને થોડા સમય પછી લાગવગ લગાવી પુનઃ જૂની જગ્યા પર નવા ઓર્ડર સાથે હાજર થઈ જતા હોય છે, કારેલીબાગ પોલીસ મથકમાં કરાયેલી કાર્યવાહી જુદા પરિપેક્ષયમાં થઈ છે. પરંતુ પોલીસ મથકોમાં ઘુસી ગયેલ સડો કાયમી ધોરણે સાફ કરવો હશે તો પોલીસ કમિશ્નર શામશેરસિંઘ અને તેઓના અનુગામી પોલીસ કમિશનરને એ ખાસ ધ્યાન રાખવું પડશે કે બદનામ પોલીસ કર્મીઓ બદલી પછી ઘર વાપસી ના કરે.
આ પણ વાંચોઃ Valsad: બુલેટ ટ્રેનનું સ્ટોપેજ અપાતા ડુંગરા વિસ્તારમાં મિલકતના ભાવ ઉચકાયા, રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી
આ પણ વાંચોઃ તલાટીની 3 હજાર 437 જગ્યાઓ માટે રાજ્યમાંથી 23.23 લાખ ફોર્મ ભરાયા,18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં
Published On - 12:21 pm, Sat, 19 February 22