વડોદરા (Vadodara) માં કદાચ તમને ગુંડા બદમાશની બીક નહીં લાગે, તૂટેલા રસ્તાઓનો ત્રાસ કદાચ નહીં વરતાય પણ રસ્તે રખડતા ઢોર (stray cattle) થી તમારે ડરતા જ રહેવું પડશે. કેમકે મહાનગરપાલિકા (Corporation) આ મામલે પાણીમાં જ બેસી ગઈ છે. અચાનક જ યમરાજ બનીને ત્રાટકતા આ ઢોરથી શહેરીજનો રીતસર ફફડી રહ્યા છે. રજવાડી શહેરમાં પશુપાલકોએ રસ્તે રઝળતાં મૂકી દીધેલાં આ ઢોરથી પ્રજા કેવી ત્રાહિમામ છે. એની વધુ એક સાબિતી મળી કિશનવાડી વિસ્તારમાં. જ્યાં રખડતા ઢોરે 55 વર્ષીય મધુ બારોટ નામની મહિલાને અડફેટે લીધાં જેને કારણે તેમને માથામાં 9 ટાંકા આવ્યા છે. લોકોમાં આક્રોશ છે, તો બીજી તરફ ઘટનાને લઇ કોર્પોરેશનના વિપક્ષ નેતા અમી રાવતે પણ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. જોકે તેની સામે વડોદરાના મેયરે ગૌપાલકો પર આક્ષેપ કરતાં આવા ગૌપાલકો વિરૂદ્ધ પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું.
એવું તો છે જ નહીં કે આ એકલ દોકલ ઘટના છે. સતત અને નિયમિત આ પ્રકારની ઘટનાઓ વડોદરામાં બનતી રહે છે. કોર્પોરેશન પાસે આવી ઘટનાની નોંધ ન હોય તો આ રહી એ યાદી.
રખડતા ઢોરને પાંજરે પૂરવા પાલિકાએ કાર્યવાહી કરી છે, પણ હકીકત તો તમારી સામે જ છે. લોકોની મુશ્કેલીમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી. તો એવી કાર્યવાહીનો અર્થ ખરો ? આ પીડા તો એને જ ખબર હોય જેની પર કે જેના પરિવાર પર વીતી હોય.
આ પીડિતના પરિવારની વ્યથા છે જે અધિકારીઓ કે શાસકોને ખબર નહીં પડતી હોય અને ખબર પડતી હોય તો કોઈ મજબૂરીવશ તેનો ઉકેલ નહીં લાવતા હોય. બાકી છાશવારે બનતી આવી ઘટનાઓ છતાં કડક પગલાં કેમ નથી ભરાતા ? એ સવાલ અહીંના લોકો પૂછી રહ્યા છે.