વડોદરા (Vadodara) માં રખડતા ઢોર (stray cattle) નો ત્રાસ વધી રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ પર આ રખડતાં ઢોર મોત બનીને અચાનક ત્રાટકે છે. આ રખડતી રંજાડથી શહેરીજનો થથરી રહ્યા છે. રજવાડી શહેરમાં આજકાલ રખડતી રંજાડ માજા મુકી રહી છે. મનપાની મથામણ અને મેયરના દાવાઓની પોલ ખોલતા આ દ્રશ્યો ચાડી ખાઇ રહ્યા છે કે શાસકો નિંદ્રામાં છે, રખડતા ઢોર બેફામ છે, અને પ્રજા પરેશાન છે. ચાલુ મહિને અત્યાર સુધીમાં રખડતી રંજાડની 6 ઘટનાઓ સામે આવી ચૂકી છે. રખડતા ઢોરને પાંજરે પૂરવા તંત્રએ કવાયત તો હાથ ધરી છે છતાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે.
આજની જ ઘટનાની વાત કરીએ તો નવાયાડ વિસ્તારમાં રખડતા ઢોરે યુવકને ગંભીર રીતે અડફેટે લીધો હતો. જો કે સદનસીબે યુવકને કોઈ ઇજા નથી થઈ પરંતુ આ ઘટના અને આ દ્રશ્યો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે. આ સ્થિતિમાં શહેરીજનોમાં આજે એક જ સવાલ ચર્ચાઇ રહ્યો છે કે રખડતી સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે ?
આ અગાઉ 12 મેના રોજ પણ વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવતા સમયે સોસાયટી પાસે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલની આંખમાં ગાયનું શીંગડું ખુંપી ગયું હતું અને તેણે હંમેશા માટે આંખ ગુમાવી દીધી હતી. આ ઘટનાના 15 દિવસ બાદ મનપાનું તંત્ર જાગ્યું અને વાઘોડીયા રોડ વિસ્તારમાં ઢોરવાડા વિરૂદ્ધ કાર્યવાહી કરી. ઢોર માલિકો સાથે ઘર્ષણ થયું. પરંતુ તેમ છતાં કાર્યવાહી ચાલુ રહી. ત્યારે તંત્રની આ કાર્યવાહીને તો પરિવારે આવકારી. પરંતુ એ સવાલ પણ કર્યો કે જો પહેલા તેમણે આંખ ખોલી હોત તો આજે તેમના દિકરાને આંખ ન ગુમાવી પડી હોત.
આ સિવાય પણ એક સપ્તાહ પહેલા પાદરામાં એક વૃદ્ધ વ્યક્તિને ગાયે અડફેટમાં લેતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. વૃ્દ્ધ વ્યક્તિને માથાના ભાગમાં તેમજ શરીરના અલગ અલગ ભાગોમાં ગેબી માર વાગ્યો હતો ત્યારે આ વૃદ્ધ વ્યક્તિના પરિવારે વીડિયો વાયરલ કરી રખડતા ઢોર મામલે રોષ વ્યક્ત કર્યો હતો.તો આ સિવાય વડોદરામાં સમા સાવલી રોડ પર રખડતા ઢોરે એક ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. જેમાં યુવકને હાથ, પગ અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. જો કે આ બધી ઘટનાઓ પછી અંતે કોર્પોરેશનની ટીમ હવે જાગી છે.
વડોદરામાં મેના આ એક જ મહીનામાં ઢોરની અડફેટે આવવાની એક પછી એક છ ઘટનાઓ બની. એ બતાવે છે કે નિર્દોષો રસ્તે રઝળતા યમ જેવા રખડતાં ઢોરનો શિકાર બની રહ્યા છે. કોઇના હાથ તૂટે છે, તો કોઇના પગ ભાંગે છે, તો કોઇને આંખ અને ક્યારેક જીવન પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજની કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી સાબિત ન થાય, અને શહેરમાંથી રખડતી આ બલાનો અંત આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..નહીં તો હેનિલની જેમ અનેક લોકોનું જીવન અંધારામાં ધકેલાઇ શકે છે.