Vadodara : કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસએ ભરડો લીધો, છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓએ જીવ ગુમાવ્યા

|

May 23, 2021 | 8:39 AM

ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસએ (Mucormycosis) ભરડો લીધો છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ રોગનું પ્રમાણ વધ્યું છે.

Vadodara : ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસએ (Mucormycosis) ભરડો લીધો છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ રોગનું પ્રમાણ વધ્યું છે. કોરોના બાદ વડોદરા શહેર અને જીલ્લામાં મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસીસના 3 દર્દીના મોત નિપજ્યા છે. એસએસજી હોસ્પિટલ (SSG Hospital)માં 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તો બીજી તરફ વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના વધુ 16 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં એસએસજી અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં 230 દર્દીઓ સારવાર હેઠળ છે.

તો બીજી તરફ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની અછત  હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મ્યુકોરમાઇકોસીસની સારવારના ઇન્જેક્શનની વ્યવસ્થા માટે કમિટીની પણ રચના કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના નાયબ વિભાગીય નિયામકના વડપણ હેઠળ રચવામાં આવેલી કમિટીમાં જિલ્લા આરોગ્ય અધિકારી, VMCના આરોગ્ય અધિકારી, SSGના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને GMERS ગોત્રી કોવિડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની યોગ્ય સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં ડેન્ટલ વિભાગ, પેથોલોજી વિભાગ, માઈક્રો બાયોલોજી વિભાગ, ન્યુરો સર્જરી વિભાગ, ઇએનટી વિભાગના પ્રોફેસર, ઓકયુંલોપ્લાસ્ટી સર્જન અને મેડિકલ સ્ટોરના ઇન્ચાર્જનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, કોરોનામાંથી સાજા થઈ ગયેલા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસનો રોગ જોવા મળી રહ્યો છે. ડાયાબિટીસ હોઈ અથવા અન્ય કોઈ બિમારીથી પીડાતા હોય અને તેવા દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ઘરે પરત ફર્યા હોય તેવા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસનો રોગ જોવા મળી રહ્યો છે.

કોરોનામાંથી સાજા થઈ ઘરે પરત ફર્યા હોઈ તેવા દર્દીઓને જો નાક, આંખ કે ગળામાં કોઈ નજીવું પણ ઇન્ફેક્શન જણાઈ આવે તો તુરંત હોસ્પિટલમાં જઈ સારવાર કરાવી લેવી. જેથી અંતિમ તબક્કા સુધી રોગ પહોંચતા પહેલા જરૂરી સારવાર કરવાથી સર્જરી વિના દર્દી બચી શકે છે.

Next Video