વિકાસરહિત દ્રશ્યો: વડોદરાના આ ગામમાં સ્મશાન જ નથી, વરસાદમાં આ રીતે કરવા પડે છે અંતિમસંસ્કાર

|

Sep 23, 2021 | 8:26 PM

વડોદરા જિલ્લાના કરજણના પાછીયાપુરા ગામમાં સ્મશાન જ નથી. જેને કારણે ગામલોકોએ બાજુના ગામની સીમમાં મૃતકની અંતિમવિધિ કરવી પડે છે.

શહેરો અને મહાનગરોનો વિકાસ તો તેના સમય પ્રમાણે થતો રહે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો હજી પણ એવાં પણ ગામ છે જેમાં સ્મશાન જેવી પાયાની સગવડો પણ નથી. વડોદરા જિલ્લાના કરજણના પાછીયાપુરા ગામમાં સ્મશાન જ નથી. જેને કારણે ગામલોકોએ બાજુના ગામની સીમમાં મૃતકની અંતિમવિધિ કરવી પડે છે. હાલમાં જોવા જઈએ તો વરસાદ રાજ્યભરમાં ધોધમાર વરસી રહ્યો છે. આવામાં વરસાદી મોસમમાં તો ક્યારેક ચાલુ વરસાદે અંતિમ સંસ્કાર કરવામાં લોકોની ભારે કસોટી થાય છે.

ગામમાં સ્મશાન બનાવી આપવા માટે સ્થાનિકોએ ઘણી વાર પંચાયતને રજૂઆત કરી છે. પરંતુ જગ્યાની ફાળવણીના વિવાદને કારણે સ્મશાન બનતું નથી. વરસાદ વચ્ચે અંતિમવિધિ કરતા ગામલોકોનાં આ દ્રશ્યોથી તંત્રની આંખ ઉઘડે તે જરૂરી છે.

તો બીજી તરફ વલસાડથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. વલસાડ જિલ્લામાં આજે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે ત્યારે નદીના ધસમસતા પ્રવાહમાંથી અંતિમયાત્રા નીકળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના કપરાડા તાલુકાના કરચોન્ડ ગામની આ ઘટના સામે આવી છે. જ્યાં એક વૃદ્ધાનું કુદરતી મોત થતાં સ્વજનો નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમયાત્રા યોજવા માટે મજબૂર બની ગયા હતા. મહત્વનું છે કે, ગામ અને સ્મશાન વચ્ચેથી તુલસી નદી પસાર થાય છે.

 

આ પણ વાંચો: Bharuch: કેમિકલ કંપનીઓથી ખેડૂતોને દર વર્ષે 2 હજાર કરોડનું નુકસાન? અર્જુન મોઢવાડિયાએ માંડ્યો મોરચો

આ પણ વાંચો: Valsad: નદીના ધસમસતા પ્રવાહમાંથી નીકળી અંતિમયાત્રા, જુઓ વીડિયો

Next Video