Ahmedabad: અંધેરી નગરી, ગંડુ રાજા જેવો ઘાટ! 4 વર્ષથી લટકી રહ્યું છે આ બ્રિજનું કામ

| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:24 AM

અમદાવાદમાં અજીત મિલના બ્રિજનું કામ ચાર વર્ષ પહેલા શરુ થયું હતું. 2017માં શરૂ થયેલું કામ આજે પણ ચાલી રહ્યું છે. જુન 2021 માં આ કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી.

અમદાવાદમાં તંત્રનો અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે. જી હા AMC નું તંત્ર કામગીરીમાં ખાડે ગયું છે. AMCના અંધેર વહીવટને પગલે પ્રજા પરેશાન તો થઇ રહી છે, સાથે જ પ્રજાના પરસેવાની કમાણી પણ વેડફાઇ રહી છે. કેવી રીતે આવો જાણીએ.

અમદાવાદમાં વિકાસ અટવાયો છે. અને વિકાસ અટવાવા પાછળ જવાબદાર છે AMC નું નઠોર તંત્ર. દરેક વિકાસના કામોને પૂર્ણ કરવાની એક સમયમર્યાદા નક્કી કરાતી હોય છે. જો કે AMC ને તો આવો કોઇ જ નિયમ લાગુ ન પડતો હોય તેમ, વિકાસનું એક કામ વર્ષો સુધી અવિરત ચાલ્યા કરે છે. પુરાવા તરીકે અજીત મિલનો આ બ્રિજ જ લઇ લો. 2017માં શરૂ થયેલું કામ આજે પણ ચાલી રહ્યું છે. જુન 2021 માં આ કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી.

અમદાવાદ કોર્પોરેશનના પાપે શહેરમાં એવા અનેક વિકાસના કામો છે જે આજે પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યા છે. અને આ કામો ક્યારે પૂર્ણ થશે તેનો કોઇની પાસે જવાબ નથી. જો કે મંથર ગતિએ ચાલી રહેલા કામોને પગલે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. શહેરીજનોની પણ આ બાબતે અનેક ફરિયાદ છે. પરંતુ AMC આ ફરિયાદ આગળ આંખ આડા કાન કરે છે.

જોકે વિકાસના લટકી રહેલા કામો મામલે જ્યારે Tv9 ની ટીમે AMC ના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કર્યો, તો તેઓનો જવાબ પણ સાંભળવાલાયક હતો. વિડીયોમાં આપો સાંભળી શકો છો કે ચેરમેન કહી રહ્યા છે કે કોરોના કાળમાં ઓક્સિજનની જરૂર બ્રિજ બનાવવા માટે પડે, તે મળતો ન હોવાથી બ્રિજ બનાવવાનો સમય વધારવામાં આવ્યો છે.

આમ AMC ના અણઘડ વહીવટને પગલે વિકાસ રૂંધાયો છે. અને નાગરિકોને ભોગવવાનો વારો આવ્યો છે. જોકે હકિકત એ પણ છે કે વિકાસનું કામ જેટલું ખેંચાય તેટલું બજેટ પણ ઉંચુ જતું હોય છે. અને કોન્ટ્રાક્ટરોને તેનો સીધો લાભ થતો હોય છે. આશા રાખીએ કે ભાજપના સત્તાધીશો જાગે અને વહેલીતકે વિકાસના કામો પૂર્ણ કરે.

 

આ પણ વાંચો: Mandi: મોરબીના વાંકાનેર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8725 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો: લાંચિયા સરકારી બાબુઓની ખેર નથી, દિવાળીમાં ભેટની લાંચ લેતા બાબુઓને પકડવા ACB એ ગોઠવી દીધી છે જાળ