સુરતમાં પાલ અને ઉમરા વિસ્તારને જોડતા બ્રિજનું મુહૂર્ત આખરે નીકળ્યું છે. અને હવે 10 જુલાઈના રોજ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે તેવી જાહેરાત શાસક પક્ષના નેતા અમિત રાજપુતે કરી છે. છેલ્લા સાડા ચાર વર્ષથી બ્રિજનું કામ ફક્ત પાંચ ટકા માટે અટકેલું હતું. પણ ઉમરા છેડે અસરગ્રસ્તો સાથે કોર્ટની લડાઈ બાદ સમાધાન આવતા બાકીનું કામ પૂર્ણ કરી દેવાયું છે.
હવે આ બ્રિજનું માત્ર રંગરોગાન અને લાઈટનું જ કામ બાકી છે. તે પૂર્ણ થયે જુલાઈના બીજા અઠવાડિયામાં આ બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ સાથે જ સુરતને મળનારો આ 115મો બ્રિજ બની રહેશે.
છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજની બંને છેડે દસ લાખ જેટલી વસ્તીને બ્રિજનું કામ પૂર્ણ ન થવાના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે મનપા કમિશનરે લોકોની સુવિધા માટે આ બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવાનું બીડું ઝડપ્યું હતું. બ્રિજના એપ્રોચ માટે જમીન ફક્ત 19 મિલકતદારોની મિલકતોને કારણે આ બ્રિજ 90% બન્યા પછી પણ અધૂરો રહી ગયો હતો.
જોકે કોર્ટ કેસ સામે લડત બાદ કમિશનરે અહીં બીપીએમસી એકટનો ઉપયોગ કરીને જમીન સંપાદન કરી જમીન મેળવી છે. ત્યારબાદ બ્રિજનું અધૂરું રહેલું કામ આગળ વધ્યું હતું.
– 7 ડિસેમ્બર,2015માં બીઆરટીએસના બીજા ફેઝને લઈને પાલ અને ઉમરા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
– 89.99 કરોડની કિંમતનો બ્રિજ.
– 776.50 મીટરની લંબાઈ અને 30 સ્પાન ધરાવતો બ્રિજ.
જો કે બાદમાં કોરોનાના કારણે બ્રિજના કામમાં ફરી વિલંબ થયો હતો. જોકે હવે આ બ્રિજમાં સામાન્ય કામ જ બાકી હોવાથી મેયર સહિતના પદાધિકારીઓએ સ્થળ વિઝીટ લીધી હતી. તેમજ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં આ બ્રીજને ખુલ્લો મૂકવાની તૈયારી કરવા વહીવટી તંત્રને તાકીદ કરી છે.
આ બ્રિજ શરૂ થયા બાદ સુરતના તાપી નદી પરનો આ 14મો બ્રિજ હશે. જેના કારણે સરદાર બ્રિજ અને કેબલ સ્ટેઇડ બ્રિજનું ભારણ ઘટશે. અને પાલ તેમજ ઉમરા વિસ્તારની 10 લાખ વસ્તીને તેનો સીધો ફાયદો થશે.
આ પણ વાંચો: Surat : ભાઈ-બહેનને શોધવા 100 પોલીસ જવાનો 2 કલાક સુધી કામે લાગ્યા, સહી-સલામત મળતા પોલીસને થયો હાશકારો
આ પણ વાંચો: Surat : કોરોનાનો કહેર ઓછો થતા દશામાના પર્વને લઈને તૈયારીઓનો ધમધમાટ, મૂર્તિઓને આખરી ઓપ અપાયો