તાપી(Tapi ) જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા ગામના અલગ અલગ ફળિયામાં પીવાના પાણીની(Drinking Water ) સમસ્યા ભર ઉનાળે(Summer ) આકરી બની છે. હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ગામની અંદર આવેલા કુવા અને બોરમાં પાણી સુકાઈ ગયા છે. જેથી લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ બાબતે ગ્રામજનોએ સ્થાનિક પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની સામે રજૂઆતો પણ કરી હતી. પરંતુ હજી સુધી તેનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી.
નોંધનીય છે કે સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ લોકોને ઘર સુધી પીવાનું પાણી મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ યોજના પણ માત્ર કાગળ પર જ દોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સોનગઢના વડપાડા ગામના ટોકરવા ગામ નજીક પણ પીવાનું પાણી સરળતાથી મળતું નથી. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો છે.
હાલ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે લોકો ભર તાપમાં લાંબા અંતર સુધી આવેલા બેડવાણ ગામે પાણી ભરવા જાય છે. આ ગામમાં મોટા ભાગે આદિવાસી ભાઈ બહેનો રહે છે અને સિંચાઈની પણ પૂરતી સગવડ ન હોવાથી ચોમાસા સિવાય તેઓ અન્ય મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની તકલીફ હોવાથી લોકો સવારથી જ સાઇકલ અને બાઈક પર પ્લાસ્ટિકના કેરબા લઈને પાણી શોધવા નીકળી પડે છે.
સ્થાનિક રહેવાસીના જણાવ્યા પ્રમાણે ગામડામાં પાણીની લાઈન 10 વર્ષ પહેલા રાખવામાં આવી હતી અને અન્ય યોજનાની પાઇપ લાઈન સાથે જ જોડવામાં આવી રહી છે. એ સાથે જ આવી પાઇપ લાઈન જમીનમાં બે ફૂટ ઊંડે નાંખવાનો નિયમ છે છતાં તેને ઘોળીને પી જવામાં આવે છે. નળ કનેક્શન માટે પાઇપ લાઈન જમીનમાં માત્ર સાત આઠ ઇંચ ખોદીને નાંખવામાં આવી છે. આ કામગીરી છતાં પાણી મળતું નથી.
લોકોની સાથે સાથે ગાય ભેંસ જેવા પાલતુ પ્રાણીઓની હાલત પણ અત્યંત કફોડી થઇ જાય છે. જેથી તેમની સ્થિતિ પણ ખુબ ખરાબ થઇ ગઈ છે. લોકોની પણ એવી હાલત છે કે પાણી શોધવા જતા તેઓને મજૂરીના રૂપિયા પણ ગુમાવવા પડે છે. કારણ કે મોટા ભાગના સમય પાણીની શોધમાં નીકળી જાય છે.
Published On - 3:18 pm, Thu, 19 May 22