તાપી (Tapi )જિલ્લાના કુકરમુંડા તાલુકા (District )મામલતદાર કચેરી ખાતે મામલતદાર એન.સી.ભાવસાર ની અધ્યક્ષતામાં કુકરમુંડા તાલુકાના ગણપતિ (Ganesh Festival )મંડળના આયોજકો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં તાલુકામાં કાયદો અને વ્યવસ્થા બાબતે મામલતદાર તથા નિઝર પી.એસ.આઈ એસ.ટી. દેસલે દ્વારા ગણપતિ મંડળના આયોજકોને ગણપતિ ઉત્સવ બાબતે જરૂરી સુચનાઓ આપતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂંક સમયમાં કુકરમુંડા તાલુકામાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે.
આગામી તા.31 ઓગસ્ટ 2022 થી તા.9 સપ્ટેમ્બર 2022 સુધી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ગણપરીની સ્થાપના બાદ ધાર્મિક રીતિ રીવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ આ પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે. જેમાં આગામી ગણેશોત્સવ દરમિયાન કુકરમુંડા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક મંડળ ને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમના દ્વારા આયોજકોને જણાવવામાં આવ્યું હતું કે દરેક ગણપતિ મંડળના આયોજકોને સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી આયોજન કરવામાં આવે તેમજ કોઇ વાદ વિવાદ કે કોઈની ધાર્મિક લાગણીઓ દુભાય એવા કૃત્યો કરવાના રહેશે નહીં. તેમજ નિયત કરેલ સમય દરમિયાન ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જો કોઈ ગણપતિ મંડળ દ્વારા સુલેહ શાંતિ ભંગ કરે એવા કૃત્યો કરવામાં આવશે તો આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મીટીંગમાં કુકરમુંડા તાલુકાના આગેવાનો તથા ગણેશ મંડળના આશરે 130 થી વધુ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.