તાપી (Tapi )જિલ્લાના ઉકાઈ (Ukai )ખાતે સેન્ટર ઓફ એકસેલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી(University ) ઉકાઈ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી ઉકાઈના ઉપક્રમે માછલીઓમાંથી મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી રમીલા ગામીતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સોનગઢ, ઉચ્છલ અને વ્યારા તાલુકાના 30 તાલીમાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.
તમને જણાવી દઈએ કે ઉકાઈ વિસ્તારમાં મત્સ્યોદ્યોગને ઉત્તેજન આપવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી રહી છે. અહીં તાપી નદી સહિત ઉકાઈ ડેમ વિસ્તાર અને ગામડાઓમાં મત્સ્યોદ્યોગનો વ્યાપ વધારવામાં આવે તો મત્સ્યપાલકો આર્થિક રીતે સધ્ધર બની શકે છે. આમ આ વિસ્તારમાં અનેક લોકોને લાભ થાય તેવા ઉમદા હેતુથી મત્સ્યોદ્યોગને ઉત્તેજન આપવામા આવી રહ્યું છે.
ખાસ કરીને આ વિસ્તારના યુવક-યુવતિઓને હોટેલ વ્યવસાયમા વધુ આવક મળી શકે તે માટે માછલીઓ માંથી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટોમાંથી વધુ આવક કઈ રીતે મેળવી શકાય તેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. પદ્મશ્રી રમીલા ગામીતે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ લઈને કઈ રીતે આગળ વધી શકાય તે માટે તાલીમ લેવી જ જોઈએ.
સરકારની બધી જ યોજના કલ્યાણકારી હોય છે. સમાજ માટે કાંઈક કરવાની ભાવના સાથે આગળ વધવુ જોઈએ. આજે વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર બનવા માટે હાકલ કરી છે ત્યારે આ તાલીમ આપના માટે ખૂબ જ મહત્વની બની રહેશે. ફિશરીઝ કોલેજ, વેરાવળના તજજ્ઞ ડો.બી.જી.ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપના વિસ્તારમાં થતી માછલીઓમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવી શકાય છે. જેમાંથી તેઓને ઘણી આવક મળી રહેશે.
માછલીનું અથાણું, ફિશબેરીઝ કુરકુરે, ન્યુટ્રીશન બેલેન્સ થાય તે મુજબની બનાવટો તૈયાર કરવામાં આવે તો આવનારા દિવસમાં અહીંની બહેનોને વધુ આવક મળી રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે માછલીઓમાંથી 20 થી વધારે પ્રોડક્ટ બનાવી શકાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 60 ટકા સબસીડી સાથે મોબાઈલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાય છે.