તાપી (Tapi ) જિલ્લા એલસીબી પોલીસે (Police ) બાતમીના આધારે મોટું ઓપરેશન પાર પાડીને કન્સ્ટ્રક્શન સાઈડો પર લોખંડના સળિયા ચોરી કરતી ગેંગને (Gang ) પકડી પાડી છે, અને તેમની પાસેથી પોલીસે 8.06 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. તાપી જિલ્લા એલસીબી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને મળેલ સંયુકત ખાનગી બાતમી મળી હતી. મળેલી બાતમી મુજબ “ બે ઇસમો એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં.-જીજે-26-ટી-8907માં ચોરીના લોખંડના સળીયા ભરી કોઇકને વેચાણ કરવાના ઇરાદે ઉચ્છલ સુમુલ ડેરી ચીલીંગ સેન્ટર તરફથી નીકળી સાકરદા ફાટક થઇ સુરત ધુલિયા હાઇવે તરફ જનાર છે.
જેમાં લોખંડના સળીયા ભરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીની આગળ પાછળ એક ઇસમ કે જેણે પોતાના શરીરે સ્કાય બ્લ્યુ ક્લરનો ફુલ બાંયનો શર્ટ તથા કાળા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે તેમજ તે પોતાની કેસરી સિલ્વર કલરની કે.ટી.એમ મો.સા.નં.- જી.જે -26-એ.ડી -2909 પર તેમજ તેની સાથે અન્ય એક ઇસમ કે જેણે પોતાના શરીરે કાળા કલરની હાંફ બાંયની ટીશર્ટ અને કમરે કાળા કલરની ટ્રેક પેન્ટ પહેરેલ છે તે પણ કાળા કલરની હિરો પ્લેઝર મોપેડ નં.- જી.જે -26-ઈ-9760 પર પાયલોટીંગ માં છે.”
આ બાતમીના આધારે પોલીસે ઉચ્છલ, સાકરદા રેલવે ફાટક પાસે અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસ મળેલી બાતમીના આધારે વર્ણન કરાયેલા તમામ વાહનોની વોચમાં હતા. તે દરમિયાન ઉચ્છલ ત્રણ રસ્તા તરફથી કે.ટી.એમ મોટરસાઇકલ હંકારી આવતો હોય અને તેની પાછળ સળીયા ભરેલ એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી ચાલતી આવતી હોય તે મોટર સાઇકલ અને સળિયા ભરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી રોડ પરના બમ્પર ના કારણે ધીમે પડતા તે મો.સા. અને બોલેરો પીકપ ગાડીને પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવી હતી.
જે બાદ આરોપીપમાં સુનિલ ઉર્ફે ટાલો ગામીત, રાજુ ગામીત, અનિલ ગામીત અને વિલેશ ગામીતને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 2200 કિલોગ્રામના લોખંડના સળિયા જેની કિંમત અંદાજે 1.32 લાખ થાય છે, તે ઉપરાંત સળિયા ચોરીમાં વપરાયેલ બોલેરો ગાડી, મોટર સાઇકલ, મોબાઇલ અને રોકડા મળીને કુલ રૂપિયા 8.06 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. વધુ તપાસ ઉચ્છલ પોલીસ કરી રહી છે.