
લાંબા સમયના અંતરાળ બાદ જિલ્લા કલેક્ટર(Collector ) આયુષ ઓકની કામગીરી અંતર્ગત સુરતમાં (Surat ) રૂપિયા 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી સુરત જિલ્લા કલેક્ટર કચેરી (Office )બનાવવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત આજે રાજ્યના રાજ્યકક્ષાના મહેસુલ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ક૨વામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં સૌથી ઊંચી મહાનગરપાલિકાનું બિલ્ડીંગ પણ સુરતમાં બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે. તેની સાથે સાથે હવે સુરત ખાતે રાજ્યની સૌથી ઊંચી કલેક્ટર કચેરી બનાવવાનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના પીપલોદ એસવીએનઆઈટીની સામેની તરફ સરકારી જગ્યા પર રૂપિયા 30 કરોડના ખર્ચે 14 માળની ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ નવી કલેક્ટર કચેરીનું કાર્ય આગામી એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
— SVNIT ગેસ્ટ હાઉસની બાજુના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કરવામાં આવશે.
— 14 માળની સરકારી ઈમારતમાં વાહનો માટે બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે.
— એક જ છત નીચે મહેસૂલ વિભાગની તમામ કચેરીઓને પણ આવરી લેવામાં આવશે.
— આધુનિક કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, ક્રાફેટેરિયા પણ નવી કચેરીમાં હશે
— એક જ કેમ્પસમાં બીજા 4 ટાવર ભવિષ્યમાં બનાવવાનું આયોજન તેમજ આ દરેક ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાયું છે.
આ કચેરીની ખાસિયત જાણીએ તો નવી કલેકટર કચેરી માં સંપૂર્ણ સોલાર આધારિત વીજળીનો ઉપયોગ કરવામાં આવશે. 14 માળની કચેરીમાં બિલ્ડિંગની ડિઝાઈન અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 30 ટકા સુધીની વીજળીની પણ બચત કરવામાં આવશે. નવી કલેક્ટર કચેરીમાં પ્રાંત અધિકારીની નવી જગ્યા સાથે અડાજણ મામલતદારની કચેરી પણ બનાવવામાં આવશે.
રાજ્યના રાજ્યકક્ષાના મહેસુલમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવી કલેક્ટર કચેરીની સાથે સાથે સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી લેક ગાર્ડન નજીક અડાજણ મામલતદાર ઓફિસ, પુણામાં મગોબ ખાતે અમેઝિયા વોટર પાર્ક નજીક પુણા મામલતદાર કચેરી તથા ઉધના સોસિયો સર્કલ પાસે ઉધના મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવશે.