Surat : શું વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનનું સપનું સાકાર કરશે મંત્રી દર્શનાબેન જરદોશ ?

સુરતના સાંસદ દર્શના જરદોશને કેન્દ્રના મંત્રી મંડળમાં સ્થાન મળતા સુરતવાસીઓનું વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાનું સપનું સાકાર કરે તેવી અપેક્ષા છે.

Surat : શું વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનનું સપનું સાકાર કરશે મંત્રી દર્શનાબેન જરદોશ ?
સુરત - વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન
| Edited By: | Updated on: Jul 08, 2021 | 3:49 PM

સુરતના સાંસદ દર્શના જરદોશને (Darshana Jardosh) કેન્દ્રમાં ટેકસટાઇલ રાજ્યમંત્રી ઉપરાંત રેલવે રાજ્યમંત્રીનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. દર્શનાબેનને બે જવાબદારી સોંપવામાં આવતા સુરતીઓની ભુલાઈ ગયેલી આશાઓ ફરી જાગી છે. સુરતની અપેક્ષા પણ હવે વધી છે.

છેલ્લા ઘણા સમયથી સુરતીઓને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનના સપના બતાવવામાં આવ્યા છે, ત્યારે હવે સુરતીઓ દર્શનાબેન પાસે સુરત રેલવે સ્ટેશનને (Surat Railway Station) વર્લ્ડ કલાસ બનાવવાનું સપનું સાકાર કરે તેવી અપેક્ષા છે.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત સુરતને કેન્દ્રીય રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ જવાબદારીની સાથે જ સુરત રેલવે સ્ટેશનને વર્ષોથી થઈ રહેલા અન્યાયનો દોર હવે પૂરો થાય તેવી સંભાવના જાગી છે.

ઝેડઆરયુસીસી સભ્ય હબીબ વ્હોરા જણાવે છે કે, સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ રેલવે સ્ટેશન બનાવવા માટેની વાતો હજી સુધી ફક્ત કાગળ પર થયેલી છે. પણ હવે જ્યારે દર્શનાબેન જરદોશને કેન્દ્રમાં રેલવે રાજ્યમંત્રીનો હવાલો મળ્યો છે, ત્યારે તેઓ આ બાબતને ગંભીરતાથી લઈને તેના પર ત્વરીત કામગીરી કરાવે તે જરૂરી છે.

આ સિવાય ઉધના રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર ભારતની ટ્રેન થોભાવાની વાતો પર પણ વહેલા અમલ થાય તે જરૂરી છે. સુરતથી મુંબઈ કરતા અલગ ડિવિઝન આપવાની વાતો પણ દાયકાઓથી કાગળ પર રહી છે.

સુરતની વસ્તી અને સ્ટેશન સ્થિતિ ક્યાંથી ક્યાં પહોંચી છે, છતાં પણ ઇમરજન્સી ક્વોટા આજે પણ 20 વર્ષથી ત્યાંને ત્યાં જ છે. જેને વધારવામાં આવે તેવી પણ માગ ઉઠી છે. ડીઆરએમ ઓફિસ મુંબઈથી ખસેડીને સુરતને ફાળવવામાં આવે તેવી પણ એક માગ છે, જેથી વારંવાર મુંબઈ જવું ન પડે અને લોકોને રાહત મળી શકે. આરપીએફના મહેકમમાં પણ વધારો કરવામાં આવે. દૂરંતો અને સંપર્ક ક્રાંતિ ટ્રેનને સુરતમાં સ્ટોપેજ આપવામાં આવે તથા વેસ્ટન રેલવેનું વડુમથક મુંબઈથી અમદાવાદ ખસેડવામાં આવે એ જરૂરી છે.

સ્વાભાવિક છે કે મંત્રી હવે જ્યારે સુરતનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે સુરતની વર્ષોથી ચાલી આવતી માંગણીઓથી તેઓ પરિચિત છે, જેથી ટેકસટાઇલની વાત હોય કે સુરતને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાની વાત હોય આ બાબતે મંત્રી દર્શનાબેન જરદોશ પાસે સુરતના લોકો ઘણી અપેક્ષા લઈને બેઠા છે.